2019-2035 સુધીમાં સુરત વિકાસના તમામ રેકોર્ડ તોડી નાંખશે, એક ઈન્ટરનેશનલ સરવેનો છે આ દાવો

  • 2019-2035 સુધીમાં સુરત વિકાસના તમામ રેકોર્ડ તોડી નાંખશે, એક ઈન્ટરનેશનલ સરવેનો છે આ દાવો

સુરત :કાપડ અને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલું સુરત શહેર ગુજરાતનું આર્થિક પાટનગર કહેવાય છે, ત્યારે સુરત શહેર ફરી એક વખત ઈકોનોમિકલ ગ્રોથમાં દુનિયાના દેશોમાં નંબર વન બન્યું છે. દુનિયાની જાણીતી ઓક્સફોર્ડ ઈકોનોમિક્સના સર્વે અનુસાર વર્ષ 2019 થી 2035 દરમ્યાન સુરતનો સરેરાશ ગ્રોથ રેટ 9.17 ટકા રહેવાની શક્યતા છે. ઓક્સફોર્ડના સર્ચ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન(જીડીપી), લેબર માર્કેટ, વસ્તી, ઇન્કમ, ગ્રાહકોની ખર્ચ કરવાની ક્ષમતા જેવા મુદ્દાઓને સાંકળી સુરતને દેશમાં સૌથી વધુ ગ્રોથ કરતાં શહેરોની યાદીમાં મોખરે સ્થાન આપવામાં આવ્યું છે. બીજા ક્રમે સરેરાશ 8.58 ટકાના ગ્રોથ રેટ સાથે આગ્રાને સ્થાન આપવામાં આવ્યું છે, તો ત્રીજા ક્રમે બેંગલુરુનો 8.50 ટકાનો ગ્રોથ રેટ અંદાજવામાં આવ્યો છે.

 

સુરત શહેર આમ તો ગુજરાત સહિત દેશ અને દુનિયામાં હીરા અને કાપડ ઉદ્યોગનું હબ ગણાય છે. જોકે એક સમય એવો પણ હતો કે, સુરત શહેરના કિનારે 84 દેશોના જહાજોના વાવટા ફરકતા હતાં. વેપાર કરવા માટે દુનિયાભરના લોકો સુરત આવી દેશના અન્ય રાજ્યોમાં વેપાર અર્થે જતા હતાં. સુરત દેશનું પહેલું શહેર હતું, જ્યાં અંગ્રેજોએ પણ વેપાર માટે પોતાની પહેલી કોઠી સ્થાપી હતી. તે જ સુરત શહેર ફરી એક વખત ઈકોનોમિકલ ગ્રોથમાં દુનિયાના દેશોમાં નંબર વન બન્યું છે. ઓક્સફોર્ડ ઈકોનોમિક્સ દ્વારા એક સર્વે જાહેર કરવામાં આવ્યો છે. જેમાં આગામી બે દાયકામાં ભારતના શહેરો સૌથી વિકસતા શહેરોની યાદીમાં અગ્રેસર શહેરોના નામોની જાહેરાત કરાઈ છે. જેમાં ગુજરાતના બે શહેર સુરત અને રાજકોટનો સમાવેશ ટોપ-10માં થાય છે. સુરત તો ટોચ પર છે. ઓક્સફોર્ડ ઈકોનોમિક્સના સર્વે અનુસાર સુરતનો વાર્ષિક ગ્રોથ સરેરાશ 9.17 ટકાનો રહેવાની શક્યતા છે. જ્યારે ગુજરાતનું જ અન્ય શહેર રાજકોટ 8.33 ટકાના વૃદ્ધિદર સાથે
સાતમા ક્રમે છે. અન્ય શહેરોમાં આગ્રા, બેંગ્લુરુ, હૈદરાબાદ, નાગપુર, તિરુપુર વગેરેનો સમાવેશ થાય છે.