યુ.એલ.સી.ના પ્લોટ ઉપર દબાણ કરવું હવે અશક્ય

  • યુ.એલ.સી.ના પ્લોટ ઉપર દબાણ કરવું હવે અશક્ય

રાજકોટ તા.20
સરકારી જમીન અને યુએલસી પ્લોટમાં થતી પેશકદમી બંધ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા રાજકોટ સહિત રાજ્યભરમાં નવી ટેકનોલોજી વિકસાવવામાં આવી છે. નવી સીસ્ટમ મુજબ હવે કોઇપણ સરકારી પ્લોટમાં દબાણ થશે કે તુરત જ જે તે વિસ્તારના મામલતદાર, સર્કલ ઓફીસર અને સીધી જ કલેકટરને એલર્ટ મળી જશે.
વિશ્ર્વસનીય સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત મુજબ રાજ્ય સરકાર દ્વારા સરકારી જમીન અને યુએલસી પ્લોટ ઉપર થતા દબાણ અટકાવવા માટે જીઓ ટ્રેકીંગ સીસ્ટમની અમલવારી શરૂ કરી દેવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા રાજકોટ સહિત તમામ જીલ્લા કલેકટરને જીઓ ટ્રેકીંગ સીસ્ટમની સુચના આપવામાં આવ્યા બાદ તમામ જીલ્લામાં યુએલસીના પ્લોટની સર્વે કરી દેવામાં આવ્યો હતો અને આઠ દિવસની અંદર જ સર્વેની કામગીરી પુરી કરી લેવાની સુચના આપવામાં આવી હતી.
મહેસુલ વિભાગ દ્વારા નવી અમલમાં મુકાયેલ જીઓ ટ્રેકીંગ સીસ્ટમથી રાજકોટમાં 84 જેટલા યુએલસીના ખુલ્લા પ્લોટનું મેપીંગ કરવામાં આવ્યું છે. આજે આ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે ત્યારે યુએલસીના પ્લોટમાં કરવામાં આવેલ મેપીંગ મુજબ પ્લોટ કેટલા ચો.મી. નો છે?, કયા વિસ્તારમાં આવેલો છે?, પ્લોટમાં દબાણ છે કે નહીં?, જો દબાણ હોય તો કયારે હટાવાયું?, આજની પ્લોટની સ્થિતિ શું છે ? સહિતની તમામ વિગત મોબાઇલમાં અપલોડ કરવાની રહેશે.
મહેસુલ વિભાગ દ્વારા આ સોફટવેર તમામ કલેકટરોને આપવામાં આવ્યો છે. રાજકોટમાં ચારેય મામલતદાર કચેરીના સર્કલ ઓફીસરો દ્વારા તમામ 84 યુએલસી પ્લોટનું મેપીંગ કરવામાં આવ્યું છે. હવે આ પ્લોટમાં કોઇપણ વ્યક્તિ પેશકદમી કે દબાણ કરશે તો તુરત જ ત્રણ જગ્યાએ દબાણના એલર્ટ મળી જશે. સૌપ્રથમ એલર્ટ સર્કલ ઓફીસર, મામલતદાર અને કલેકટરને સંદેશ મળતા જ દબાણની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
વધુમાં મળતી વિગત મુજબ રાજકોટ સહિત રાજ્યભરમાં સરકારી ખરાબાની જમીનમાં મોટાપાયે ગેરકાયદેસર દબાણ કરવામાં આવે છે. દબાણો હટાવવા માટે મહેસુલ વિભાગ દ્વારા અદ્યતન ટેકનોલોજી વિકસાવવામાં આવી છે. 
જીઓ ટેકીંગ સીસ્ટમથી હવે કોઇપણ જગ્યાએ દબાણની માહિતી આસાનીથી કચેરીમાં બેઠાબેઠા જ અધિકારીઓને મળી જશે.