ઇંગ્લેન્ડ સામેના નબળા દેખાવ પછી પાકિસ્તાને વર્લ્ડકપ સ્ક્વોડમાં 3 ફેરફાર કર્યા

  • ઇંગ્લેન્ડ સામેના નબળા દેખાવ પછી પાકિસ્તાને વર્લ્ડકપ સ્ક્વોડમાં 3 ફેરફાર કર્યા

ઇંગ્લેન્ડ સામેની 5 મેચની સિરીઝ 4-0થી હાર્યા પછી પાકિસ્તાને પોતાના વર્લ્ડકપ સ્ક્વોડમાં 3 ફેરફાર કર્યા છે. ટીમમાં વહાબ રિયાઝ, મોહમ્મદ આમિર અને આસિફ અલીનો સમાવેશ થયો છે. જયારે પહેલા જાહેર કરેલી ટીમમાંથી જુનેદ ખાન, ફહીમ અશરફ અને આબિદ અલીની બાદબાકી થઇ છે. સોમવારે પાકિસ્તાનના મુખ્ય સિલેક્ટર ઇનઝિમામ ઉલ હકે ટીમમાં કરાયેલા ફેરફાર જાહેર કર્યા હતા. આશ્ચર્યની વાત એ છે કે ફાસ્ટ બોલર વહાબ રિયાઝ છેલ્લા 2 વર્ષથી વનડે રમ્યો નથી. ઇંગ્લેન્ડ સામે ફોર્મ માટે ઝઝૂમી રહેલા જુનેદની જગ્યાએ વહાબની વાપસી થઇ છે. જુનેદે ઇંગ્લેન્ડ સામે રમેલી 2 મેચમાં અનુક્રમે 8 ઓવરમાં 57 રન અને 10 ઓવરમાં 85 રન આપ્યા હતા. ઇનઝિમામ ઉલ હકે કહ્યું હતું કે, વહાબની વાપસી તેના અનુભવના લીધે થઇ છે. જયારે આમિર પહેલીથી અમારી ગણતરીમાં હતો અને આસિફ અલીએ આ સિરીઝમાં ઉપયોગી ઇનિંગ્સ રમીને ટીમમાં પોતાની જગ્યા બનાવી છે. સ્ક્વોડ: સરફરાઝ અહેમદ (કપ્તાન), ફકર ઝમાન, ઇમામ ઉલ હક, બાબર આઝમ, શોએબ મલિક, મોહમ્મદ હફીઝ, આસિફ અલી, શદબ ખાન, ઇમાદ વસીમ, હેરિસ સોહેલ, હસન અલી, શાહીન આફ્રિદી, મોહમ્મદ આમિર, વહાબ રિયાઝ અને મોહમ્મદ હસનેન