ચૂંટણી પંચમાં જ મતભેદ, કમિશનર લવાસાનો બેઠકમાં સામેલ થવાનો ઈન્કાર

  • ચૂંટણી પંચમાં જ મતભેદ, કમિશનર લવાસાનો બેઠકમાં સામેલ થવાનો ઈન્કાર

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી પૂરી થતાં થતાં ચૂંટણી પંચના મતભેદો પણ બહાર આવવા લાગ્યા છે. ચૂંટણી કમિશનર અશોક લવાસાએ આચાર સંહિતા ઉલ્લંઘન મામલે થનારી મીટિંગમાં સામેલ થવાનો ઈન્કાર કરી દીધો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહને ક્લિન ચીટ આપવા મામલે અસહમતી દર્શાવ્યા પછી તેમણે આ નિર્ણય લીધો છે. તેમણે આ વિશે મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરાને પત્ર પણ લખીને જાણ કરી છે. લવાસાએ જણાવ્યું છે કે, તેમણે ક્લિન ચીટ પર અસહમતી દર્શાવતા તેમના મીટિંગથી દૂર રહેવાનું પ્રેશર બનાવવામાં આવી રહ્યું છે. જે મીટિંગમાં લવાસાએ અસહમતી દર્શાવી હતી તે મીટિંગનું રેકોર્ડિંગ પણ કરવામાં આવ્યું નથી. આ મહિનાના પહેલાં સપ્તાહમાં આચાર સંહિતા ઉલ્લંઘનથી જોડાયેલા કેસની સુનાવણીમાં પણ કમિશનર લવાસાને દૂર રાખવામાં આવ્યા હતા. લવાસાએ અરોરાને પત્રમાં લખ્યું છે કે, જો તેમના નિર્ણયને રેકોર્ડ કરવામાં આવશે તો તેઓ આ મીટિંગમાં ચોક્કસ સામેલ થશે. મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરાએ લવાસાના પત્રને લઈને એક નિવેદન પણ જાહેર કર્યું છે. તેમણે કહ્યું છે કે, ચૂંટણી પંચના ત્રણ સભ્યો એક બીજાના ક્લોન ન હોઈ શકે. પહેલાં પણ આવું ઘણી વખત થયું છે કે જ્યારે વિચારોમાં મતભેદ જોવા મળ્યા હતા. આવું થઈ શકે છે અને આવું થવું પણ જોઈએ.