સોમનાથમાં શિશ ઝૂકવતા પહેલા અમિત શાહે હેલિકોપ્ટરથી કરી મંદિરની પ્રદક્ષિણા

  • સોમનાથમાં શિશ ઝૂકવતા પહેલા અમિત શાહે હેલિકોપ્ટરથી કરી મંદિરની પ્રદક્ષિણા

સોમનાથ :ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે સોમનાથ દાદાના દર્શને પહોંચ્યા હતા. મોડી રાત્રે તેઓ રાજકોટમાં વિમાન મારફતે પહોંચ્યા અને રાત્રિ રોકાણ રાજકોટમાં જ કર્યું હતું, અને ત્યાર બાદ વહેલી સવારે રાજકોટથી સોમનાથ જવા નીકળ્યા હતા. અહીં તેઓ પોતાના સમગ્ર પરિવાર સાથે દાદાના દરવાજે શિશ ઝૂકવવા પહોંચ્યા હતા. 

લોકસભાના 6 ચરણનું મતદાન થઈ ચૂક્યુ છે, અને આવતીકાલે સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન થવાનું છે. ત્યારે જીતની કામના સાથે આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સોમનાથ મંદિરમાં દર્શન માટે પહોંચ્યા હતા. લોકસભા 2019ની ચૂંટણીમાં ભાજપને જંગી જીત મળે તેવી પ્રાર્થના કરવા તેઓ મંદિરમાં નતમસ્તક થયા હતા. વહેલી સવારે તેઓ રાજકોટથી હેલિકોપ્ટર દ્વારા સોમનાથ પહોંચ્યા હતા. આ દર્શનમાં તેમનો પરિવાર તેમની સાથે હાજર રહ્યો હતો. ખાસ વાત એ હતી કે, તેમણે હેલિકોપ્ટર દ્વારા સોમનાથ મહાદેવની પ્રદક્ષિણા કરી હતી. તેમણે સહપરિવાર મહાદેવને શિશ ઝૂકાવ્યુ હતું અને જીત માટે પણ પ્રાર્થના કરી હતી. 

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અમિત શાહ સોમનાથ હેલીપેડ પહોંચ્યા હતા, જેના બાદ ભાજપના આગેવાનો અને કારયકરોએ તેમનુ સ્વાગત કર્યું હતું. તેમણે મંદિરમાં પરિવાર સાથે ધજાપુજા, મહાપૂજા તેમજ મહાઅભિષેક કર્યો હતો. આ વેળાએ તેમના પત્ની, પુત્ર જય, પુત્રવધૂ તથા વ્હાલી પૌત્રી હાજર રહી હતી.