જાસૂસીના કેસમાં જયપુર જેલમાં બંધ પાકિસ્તાની કેદીની હત્યા

જયપુર તા.ર0
જાસૂસીના મામલે જયપુરની સેન્ટ્રલ જેલમાં બંધ પાકિસ્તાની નાગરિક શાકિર ઉર્ફે મોહમ્મદ હનીફની બુધવારે જેલમાં જ હત્યા થઈ છે. કહેવાય છે કે સજા પામેલા ત્રણ કેદીઓ સાથે શાકિરને ઝઘડો થયો હતો જેના પરિણામે જેલમાં તેની મારપીટ થઇ હતી.
શાકિરના મૃત્યુની સૂચના મળતા સ્થાનિક પોલીસ અને જેલ પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે ધસી ગયા હતા. ડીજીપી ગછઊં રેડ્ડી અને ડીઆઇજી જેલ રૂપેન્દ્ર સિંહે જણાવ્યું કે પાકિસ્તાની કેદીના મોતની સૂચના મળી છે. ભોગ બનનારા કેદીના મોતની તપાસ શરૂ કરી દેવાઇ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર શાકિરની સીમી માટે જાસૂસી કરવાના મામલે ધરપકડ કરવામાં આવી હતી અને તે 2001થી જેલમાં બંધ હતો. ઉલ્લેખનીય છે કે જયપુર સેન્ટ્રલ જેલમાં વિભિન્ન મામલાઓમાં પાકિસ્તાનના પાંચ કેદીઓ જેલની હવા ખાઇ રહ્યા છે.