ધાનાણી એક દિ’ માટે ગૃહમાંથી સસ્પેન્ડ

અમદાવાદ, તા.20
વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ કહ્યું હતું કે, લોખંડનો ભંગાર ભેગો કરી તેનો ભુક્કો કરીને એમાંથી સરદારની પ્રતિમા બનાવી છે. જેને લઈને શાસક પક્ષે વિરોધ નોંધાવ્યો હતો. આ મુદ્દે ભાજપ અને કોંગ્રેસ સામ સામે આવી ગયા છે.નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, વિરોધ પક્ષના નેતાએ સરદારનું અપમાન કર્યું છે,તેમણે માફી માગવી જોઈએ. જ્યારે ધાનાણી કહ્યું કે,ભંગારમાંથી પ્રતિમા તૈયાર કરી તે માટે વડાપ્રધાન અને સરકાર માફી માંગે.
આ અંગે પરેશ ધાનાણીએ કહ્યું કે,મારા એક પણ શબ્દથી સરદારનું અપમાન થયું હોય તો હું હજારવાર માફી માગીશ. મારા કહેલા શબ્દો અસંસદીય હોય તો હું માફી માંગવા તૈયાર છું. ભાજપ પોતાની ઓળખ ઉભી કરી શક્યો ન હોવાથી પારકા નેતાને પોતાના બનાવે છે. ભાજપ સરકારે સરદાર પટેલનું અપમાન કર્યું છે. ભંગારના ભુક્કામાંથી સરદારને કેદ કરવાનું કામ આ સરકારે કર્યું. ભીખ માગીને ભંગારમાંથી સરદારને કેદ કરવાનું પાપ સરકારે કર્યું.
ધાનાણીએ આગળ કહ્યું,સ્ટેચ્યૂ ઓફ યુનિટીની વેબસાઈટ પર જ લખ્યું છે કે તેમણે લોકો પાસેથી લોખંડ ભેગું કર્યું અને લોખંડના ભંગારમાંથી સરદારને વિદેશી પ્રતિમામાં કેદ કર્યા. ભાજપના શાસનમાં બંધારણ જોખમમાં છે. આ જ ભાજપે અમદાવાદ એરપોર્ટનું નામ સરદાર પટેલ સાથે જોડવાનું હતું ત્યારે વિરોધ કર્યો હતો. ભાજપ પોતાની નિષ્ફળતા સરદાર પટેલની પ્રતિમા હેઠળ છુપાવવા પ્રયાસ કરે છે. રાજકીય રોટલા શેકવા માટે ભાજપ સરદાર પટેલનો ઉપયોગ કરે છે.