પાક.ને ખખડાવતું અમેરિકા

વોશિંગ્ટન, તા.20
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલાને ભયાનક ગણાવ્યો છે. મંગળવારના રોજ ટ્રમ્પે કહ્યું કે તેઓ આ મામલામાં રિપોર્ટ જોઇ રહ્યા છો અને ટૂંક સમયમાં જ એક નિવેદન રજૂ કરશે. 14મી ફેબ્રુઆરીના રોજ પુલવામામાં સીઆરપીએફની બસ પર આત્મઘાતી હુમલામાં 40 જવાન શહીદ થઇ ગયા હતા.
આ બધાની વચ્ચે અમેરિકન વિદેશ મંત્રાલયના ઉપપ્રવકતા રોબર્ટ પાલાડિનો એ ભારતના પ્રત્યે પૂરું સમર્થન વ્યકત કરતાં પાકિસ્તાનને કહ્યું છે કે આતંકી હુમલા
માટે જે પણ જવાબદાર છે તેને સજા આપવામાં આવે. આત્મઘાતી હુમલા બાદ ભારત અને પાકિસ્તાનમાં તણાવની વચ્ચે ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં પોતાની ઓફિસમાં મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે દક્ષિણ એશિયાના બંને પાડોશી જો સાથે આવે તો ખૂબ જ સારું રહેશે.
એક પ્રશ્નના જવાબમાં ટ્રમ્પે કહ્યું કે મેં જોયું છે. મને આના પર ઘણા બધા રિપોર્ટ મળ્યા છે. અમે આ મામલે યોગ્ય સમય આવવા પર જવાબ આપીશું. આ આતંકી હુમલો એક ભયાનક સ્થિતિ હતી. અમને રિપોર્ટ મળી રહ્યો છે. અમે તેના પર એક નિવેદન રજૂ કરીશું.
બીજી એક પત્રકાર પરિષદમાં વિદેશ વિભાગના ઉપપ્રવકતા એ કહ્યું કે અમેરિકા ભારત સરકારની સાથે સતત સંપર્કમાં છે. અમે શોક સંવેદનાની સાથે જ અમે તેમને ભરપૂર સમર્થન આપી રહ્યા છીએ. તેમણે કહ્યું કે અમે પાકિસ્તાનને કહ્યું છે કે તપાસમાં પૂરો સહયોગ કરે અને જે પણ જવાબદાર હોય તેને સજા આપો અને કાર્યવાહી કરો. પાલાડિનો એ કહ્યું કે પુલવામા હુમલા બાદથી અમેરિકા પાકિસ્તાનના પણ સંપર્કમાં છે.
આતંકી હુમલા બાદ ટ્રમ્પના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન બોલ્ટને આત્મરક્ષાના ભારતના અધિકારનું સમર્થન કર્યું હતું. અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયો, બોલ્ટન અને વ્હાઇટ હાઉસની પ્રેસ સેક્રેટરી સારા સાંડર્સ એ અલગ-અલગ નિવેદનોમાં પાકિસ્તાનથી જૈશ-એ-મોહમ્મદ અને તેમના સરગનાઓની વિરૂદ્ધ કાર્યવાહી માટે કહ્યું હતું. તેની સાથે આતંકીઓને સુરક્ષિત આશરો ના આપવાની વાત પણ કહી હતી.