ખંભાળીયા-ભાણવડમાં નર્મદાનું વધુ પાણી અપાશે

  • ખંભાળીયા-ભાણવડમાં નર્મદાનું વધુ પાણી અપાશે
    ખંભાળીયા-ભાણવડમાં નર્મદાનું વધુ પાણી અપાશે

ખંભાળીયા તા.5
ખંભાળિયા શહેર સાથે તાલુકાના સલાયા તથા ભાણવડ સહિતના વિસ્તારોમાં હાલ પીવાના પાણીની વ્યાપક તંગી સર્જાઇ છે. આ મુદ્દે રાજયના બોર્ડ ચેરમેન ધનસુખભાઇ ભંડેરીની ખાસ ઉપસિથતિમાં અત્રે એક પાણી સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠક બાદ વિપક્ષે ભુતિયા નળ જોડાણો સહિતના મુદે પાલીકા તંત્રની નિષ્ફળતા સામે ગંભીર આક્ષેપો કર્યા હતા.
ખંભાળિયા નગરપાલિકાના સભાગૃહ ખાતે પીવાના પાણી માટેની એક સમીક્ષા બેઠક ગુજરાત મ્યુ.ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરીના અઘ્યક્ષ સ્થાને રાજકોટના પ્રાદેશીક કમિશ્નર ગોરાંગ મકવાણાની ખાસ ઉપસ્થિતિમાં યોજવામાં આવી હતી. આ બેઠકમાં ખંભાળિયા સાથે સલાયા, સિક્કા તથા ભાણવડ વિસ્તારના પીવાના પાણી બાબતે સવિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી.
ખંભાળિયા શહેરના પાણી પ્રશ્ને ઉપસ્થિત આગેવાનોએ માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ અંતર્ગત શહેરને પાણી પુરૂ પાડતો ઘી ડેમ છેલ્લા ઘણા મહિનાઓથી તળિયા ઝાટક છે અને હાલ શહેરને દૈનિક સાત એમ.એલ.ડી. પાણી મળતું હોવાથી શહેરમાં દર ચોથા દિવસે અથવાતો અનિયમિત રીતે અપુરતું પાણી આપવામાં આવતું હોવાનું બહાર આવ્યું છે.
આ જ રીતે ભાણવડ નગરપાલિકાને પણ માત્ર અઢી એમ.એલ.ડી. નર્મદાના નીર મળતાં ભાણવડમં છ દિવસે પાણી વિતરણ કરવામં આવતું હોવાનું જણાવાયું હતું.
આ સમીક્ષા બાદ આગામી સમયમાં ખંભળિયા તથા ભાણવડને અપાતા નર્મદાના પાણીમાં વધારો કરવામાં આવશે તથા સલાયાને પાણી વિતરણ માટેની આંતરીક વ્યવસ્થા સુધારવા ચેરમેન ભંડેરીએ જણાવ્યું હતું.
આ સાથે નગરપાલિકાઓને 14 માં નાણાપંચના યોજનાના કામો તાકીદે પુર્ણ કરવા તથા આગામી મળવાપાત્ર ગ્રાંટમાંથી કામો તાત્કાલીક નક્કી કરવા દરખાસ્ત મોકલવા ચેરમેન ધનસુખભાઇ ભંડેરીએ જણાવ્યું હતું.
આ મહત્વની સમીક્ષા બેઠકમાં જીલ્લા ભાજપ પ્રમુખ કાળુભાઇ ચાવડા, ચીફ ઓફીસર એ.કે.ગઢવી, પાલીકા પ્રમુખ શ્ર્વેતાબેન શુકલ, ઉપપ્રમુખ પી.એમ.ગઢવી, કારોબારી ચેરમેન દિપેશાભાઇ ગોકાણી, વો.વ.ઇજનેર મુકેશભાઇ જાની વિગેરે સાથે સલાયા અને ભાણવડના પદાધિકારીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.