કુંભમાં સ્નાન કરતી મહિલાઓના ફોટા દર્શાવાતા હાઈકોર્ટ ખફા

પ્રયાગરાજ, તા.9
હાલ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં પવિત્ર કુંભ મેળો ચાલી રહ્યો છે. કુંભની વિશેષતા તેનું પવિત્ર સ્નાન છે. માટે પવિત્ર સ્નાન માટે કુંભમાં કરોડોની સંખ્યામાં લોકો ડૂબકી લગાવે છે. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ શામેલ હોય છે.
મહિલાઓ સ્નાન કરતી હોવાના ફોટા અને દ્રશ્યો સમાચારપત્રો અને ટીવી માધ્યમોમાં દર્શાવવામાં આવે છે, જેના પર અલાહાબાદ હાઈકોર્ટે લાલ આંખ કરી છે.
સ્નાન કરતી મહિલાઓના ફોટોગ્રાફ દર્શાવવા પર અલ્હાબાદ હાઇકોર્ટે આજે મેળા અધિકારીને કડક ભાષામાં ઠપકો આપ્યો છે. કોર્ટે નિર્દેશ આપ્યો છે કે છે કે, આમ કરનાર વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે. આ મામલે વધુ સુનાવણી 5 એપ્રિલના રોજ હાથ ધરવામાં આવશે.
અસીમ કુમાર નામના એક વકીલે અરજી કરી હતી. જેના પર અલાહાબાદ હાઈકોર્ટના જસ્ટિસ પીકેએસ બઘેલ અને જસ્ટિસ પંકજ ભાટીયાની બેંચે સુનવણી હાથ ધરી હતી. કોર્ટે કુંભ મેળા અધિકારીને સવાલ કર્યો હતો કે, જ્યારે સ્નાન ઘાટથી 100 મીટરના ક્ષેત્રમાં ફોટોગ્રાફી પર પ્રતિબંધ છે, તો પછી આવું કેમ થઇ રહ્યું છે? આ પ્રતિબંધનું સખત પાલન કરાવો.
કુંભ મેળામાં પ્રશાસને 1000થી વધુ સીસીટીવી કેમેરા ગોઠવ્યા છે. જેની મદદથી આખા ક્ષેત્રનું મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. સમગ્ર વિસ્તાર પર નજર રાખવા માટે 40 સર્વેલન્સ ટાવરનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે.તો ઉત્તર પ્રદેશ પોલીસ, પીએસી અને કેન્દ્રિય રિઝર્વ પોલીસ ફોર્સના અંદાજિત 22,000 જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે. મેળામાં કોઈ પણ પ્રકારની ઇમરજન્સીને પહોંચી વળવા માટે મેળા ક્ષેત્રમાં 40 પોલીસ ચોકી, 3 મહિલા પોલીસ ચોકી અને 60 પોલીસ ચોકીઓની ઉભી કરવામાં આવી છે. આ સિવાય 4 પોલીસ લાઇન પણ બનાવવામાં આવી છે.