પશ્ર્ચિમના પવનથી પારો ઉચકાયો: ઠંડીમાં રાહત

  • પશ્ર્ચિમના પવનથી પારો ઉચકાયો: ઠંડીમાં રાહત
    પશ્ર્ચિમના પવનથી પારો ઉચકાયો: ઠંડીમાં રાહત

રાજકોટ તા.5
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજની સવાર ઉનાળો થઇને ઉગી હતી. વાદળોનાં કારણે ઠંડી જાણે ગાયબ થઇ હોય એવો માહોલ છે. બપોરનાં સમયે પંખા-એસી ચાલુ કરવા પડે તેવો બફારો અનુભવાયો હતો. સૌરાષ્ટ્રનાં સરેરાશ તાપમાનમાં આજે ફરી ચાર ડિગ્રી જેવો વધારો થતાં મોટા ભાગના સેન્ટરોમાં આજે લઘુત્તમ તાપમાન 1પ ડિગ્રીથી ઉપર પહોંચી ગયું છે. સૌથી ઓછુ તાપમાન નલિયામાં નોંધાયું છે પણ 12.3 ડિગ્રી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને લો પ્રેસરની અસર તળે સૌરાષ્ટ્રમાં ગઇમાલથી આકાશમાં આછા-આછા વાદળો બંધાયા હતા. જેના કારણે ગઇકાલથી જ ઠંડીનું પ્રમાણ ઘટવું શરૂ થયું હતું આજે તો જાણે ઉનાળો હોય એ રીતે સવારથીજ ઠંડી ગાયબ થઇ ગઇ છે. આજે રાજકોટમાં સવારે નોંધાયેલા લઘુતમ તાપમાન પ્રમાણે ગઇકાલે કરતા આજે 3 ડિગ્રીનો વધારો થતા મીનીમમ તાપમાન 16.4 ડિગ્રી થઇ ગયું છે. પવન પણ શાંત થતાં રાજકોટ વાસીઓએ મહા મહિનામાં જેઠ મહિનાનો અનુભવ થયો હતો આ ઉપરાંત ભાવનગરમાં આજે 18 ડિગ્રી, પોરબંદરનાં 16.4 ડિગ્રી, વેરાવળમાં 18.5 ડિગ્રી, દ્વારકામાં 16.5 ડિગ્રી, ઓખામાં 19.7 ડિગ્રી, ભુજમાં 14 ડિગ્રી, નલિયા 12.3 ડિગ્રી,, સુરેન્દ્રનગર 16.8 ડિગ્રી, કંડલામાં 14.6 ડિગ્રી, કંડલા એરપોર્ટ 16.1 ડિગ્રી, અમરેલી 17.2 ડિગ્રી, ગાંધીનગર 13.4 ડિગ્રી અને દીવમાં 17 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર-કચ્છનાં તાપમાનમાં કોઇ મોટા ફેરફાર વગર ઠંડીમાં હજુ ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરી છે. સાથે જ વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલાક સ્થળોએ સવારે ધુમ્મસ અને ઝાંકળ વર્ષા થવાની શક્યતા છે. બે’ક દિવસ બાદ ફરી ઠંડીનો ચમકારો શરૂ થઇ શકે છે.