મિઝોરમમાં પ્રજાસત્તાક દિન પર્વનો વિરોધ: મેદાન રહ્યું ખાલી ખાલી

આઈઝલ, તા.27
70મા ગણતંત્ર દિવસના પ્રસંગે મિઝોરમના રાજયપાલ કુમ્માનમ રાજશેખરના સંબોધનમાં દર વર્ષ કરતા અલગ જ નજારો જોવા મળ્યો છે. સમારંભ દરમિયાન મોટા ભાગનું મેદાન ખાલી હતું.
સંબોધનના સમયે કોઈ આમ નાગરિકો હાજર ન હતા. માત્ર રાજયના મંત્રી, કેટલાક વિધાયકો અને અધિકારોઓ જ બેઠા હતા.
મિઝોરમમાં સિટિઝનશીપ બિલમાં કરવામાં આવનાર ફેરફારનો હાલ વિરોધ થઈ રહ્યો છે. આ કારણે એનજીઓ કોર્ડિનેશન કમિટીએ ગણતંત્ર દિવસ સમારંભનો રાજય સ્તરે બાયકોટ કરવાની જાહેરાત કરી છે. મિઝોરમમાં ઘણાં સામાજિક સમુહ અને છાત્ર સંગઠનો આ કમિટીમાં સામેલ છે.
રાજયપાલે ભાષણમાં કહ્યું મિઝોરોમની સીમાઓની સુરક્ષા માટે સખ્ત પગલા ભરવામાં આવી રહ્યાં છે. સરકાર જનતાના કલ્યાણ અને વિકાસ માટેની યોજનાઓ પર કામ કરી રહી છે. રાજયના લોકોની ઓળખ, સંસ્કૃતિ અને મુલ્યોને વધારવા માટે ગામે-ગામ સિટિઝન રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યું છે.
દારૂબંધી તરફ ઈશારો કરતા તેમણે જણાવ્યું હતું કે સરકાર મિઝોરમ શરાબ અધિનિયમ, 2014ને ખત્મ કરવા માટે પગલા લેવાની તૈયારીમાં છે. તે જાન્યુઆરી 2015થી રાજયમાં લાગુ છે.
પોલિસ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, 26 જાન્યુઆરીની વાર્ષિક પરેડમાં આ વખતે 6 સૈનિકોની ટુકડીઓ સામેલ થઈ હતી. રાજયના અન્ય જિલ્લા મુખ્યાલયોમાં મંત્રીઓ અને અધિકારોઓની ગેરહાજરીમાં ડેપ્યુટી કમિશનરે ધ્વાજાવંદન કર્યું હતું. કેટલીક જગ્યાઓએ લોકો તખ્તી અને બેનર લઈને ઉભા રહેલા જોવા મળ્યા હતા.