અમેરિકાના 8 લાખ કર્મીઓ પર ખુશી રેલાઈ: સૌથી લાંબા શટ ડાઉનનો અંત

વોશિંગ્ટન, તા.27
અમેરિકામાં આખરે 35 દિવસનાં અત્યાર સુધીનાં સૌથી લાંબામાં લાંબા શટડાઉનનો અંત આવ્યો છે. પ્રમુખ ટ્રમ્પ ઉપર ચારેબાજુથી દબાણ થતા તેમને લોકોની માગણી સામે ઝૂકવું પડયું હતું. ટ્રમ્પે સરકારી ખાતાઓ રિઓપન કરતા અને આંશિક શટડાઉનનો અંત લાવતા બિલ પર સહી કરી હતી.
મેકિસકો વોલ માટે ટ્રમ્પે અમેરિકી કોંગ્રેસ સમક્ષ 5.70 અબજ ડોલરનાં ફંડની માગણી કરી હતી જેનો ઈનકાર કરવામાં આવતા 22મી ડિસેમ્બરે ટ્રમ્પે સરકારી ખાતાઓ બંધ કરતા આંશિક શટડાઉનની જાહેરાત કરી હતી. શટડાઉનનાં અંતને ડેમોક્રેટ્સનો રાજકીય વિજય માનવામાં આવે છે.
શટડાઉનનનો અંત લાવતા
બિલ પર રિપબ્લિક્ધસની બહુમતી ધરાવતી સેનેટ અને ડેમોક્રેટ્સની બહુમતી ધરાવતા હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્ઝમાં વિના વિરોધે પસાર કરવામાં આવ્યું હતુ.
હવે મેક્સિકોની બોર્ડર પર કેવી રીતે સુરક્ષા રાખવી તે માટેની વાટાઘાટનો માર્ગ ખુલ્લો થયો છે.
ટ્રમ્પ આ મુદ્દે ફરી 29મીએ રાષ્ટ્રને સંબોધન કરશે.
હજી ત્રણ દિવસ પહેલાં જ ટ્રમ્પે એવો હુંકાર કર્યો હતો કે અમે ઝૂકીશું નહીં. શટડાઉનનો અંત લાવવાની જાહેરાત કરતા ટ્રમ્પે જણાવ્યું હતું કે તમામ સરકારી કર્મચારીઓને તેમનો અગાઉનો પગાર વહેલામાં વહેલી તકે મળે તેવી વ્યવસ્થા કરાશે.