‘ગુજકેટ’ની પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર

અમદાવાદ, તા.10
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ બાદ એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં પ્રવેશ માટે લેવામાં આવતી ગુજરાત કોમન એન્ટરન્સ ટેસ્ટ (ગુજકેટ)ની પરીક્ષાના સમયમાં ફેરફાર કરાયો છે. આ પરીક્ષા 30 માર્ચના બદલે 4 એપ્રિલના રોજ લેવાશે. સવારે 10 થી સાંજે 4 વાગ્યા સુધી ગુજકેટની પરીક્ષા લેવામાં આવશે.
ગુજકેટની આ પરીક્ષા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પ્રવર્તમાન કોર્સ આધારિત હશે.
ગુજકેટની પરીક્ષાનાં આવેદનપત્રો ભરવા માટે સૂચનાઓ તથા કોર્સની માહિતી પુસ્તિકા ઓનલાઇન મૂકવામાં આવશે. આવેદનપત્ર તથા પરીક્ષા ફી રૂ.300 ઓનલાઇન ભરવાની રહશે.
ગુજકેટની આ કસોટી કુલ ત્રણ માધ્યમમાં લેવામાં આવશે. જેમાં ગુજરાતી, અંગ્રેજી અને હિન્દીનો સમાવેશ થાય છે. ધો.12 સાયન્સના ત્રણેય ગ્રુપ એ, બી અને એબીના વિદ્યાર્થીઓ આ કસોટી આપી શકે છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત વર્ષે તા. 23 એપ્રિલને ડિગ્રી એન્જિનિયરી અને ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની ગુજકેટની કસોટી લેવામાં આવી હતી. જેમાં સમગ્ર ગુજરાતમાં 1,36,118 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા. જેમાં ગ્રૂપ-એમાં 62,173 ગ્રૂપ-બીમાં 73,620 અને ગ્રૂપ એ બીમાં 363 વિદ્યાર્થીઓ નોંધાયા હતા.