ગુજરાતમાં મોટું મૂડી રોકાણ કરશે નેધરલેન્ડ

  • ગુજરાતમાં મોટું મૂડી રોકાણ કરશે નેધરલેન્ડ
    ગુજરાતમાં મોટું મૂડી રોકાણ કરશે નેધરલેન્ડ

નવીદિલ્હી તા,16
ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વાયબ્રન્ટ ગ્લોબલ સમિટ 2019ની પૂર્વ તૈયારીનાં ભાગરૂપે આજે સવારથી જ નવી દિલ્હીમાં ગ્લોબલ બિઝનેસ લીડર્સ અને રાજદૂતો સાથે વન ટુ વન બેઠકનો પ્રારંભ કર્યો છે. હાલ વિજયભાઈ રૂપાણી વિવિધ ઉદ્યોગ અગ્રણીઓ સાથે વન-ટુ-વન બેઠકો યોજી ગુજરાતમાં મૂડીરોકાણ માટે વાર્તાલાપ કરી રહ્યા છે અને ત્યારબાદ તેમના નેતૃત્વમાં નવી દિલ્હી ખાતે એક રોડ-શો પણ યોજાશે. વિજયભાઈ રૂપાણીનાં આ પ્રસંશનીય પ્રયત્નોથી બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટીનેશન તરીકેની ગુજરાતની છબી વધુ મજબૂત અને પ્રબળ થશે જ થશે સાથોસાથ અન્ય કેટલાંક લાભો પણ પ્રાપ્ત થશે.
નવી દિલ્હી ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે જુદા-જુદા દેશનાં ડિપ્લોમેટ્સની વન-ટુ-વન ચાલી રહેલી બેઠક શૃંખલા દરમિયાન મારુતિ સુઝુકીના મેનેજિંગ ડિરેક્ટર કેનિચી અયુકાવાએ ગુજરાતમાં મારુતિ મોટર્સના નવા પ્લાન્ટના કાર્યારંભ અંગે પરામર્શ કર્યો હતો. ગુજરાતના સ્થાનિક યુવાનોને રોજગારી મળે તે હેતુસર મારુતિ સુઝુકી આઇ.ટી.આઈ.માં નવા તાલીમ અભ્યાસક્રમો શરૂ કરવાનું છે તેની પણ ચર્ચા કરી છે. મારુતિ સુઝુકી ગુજરાતમાં આવનારા સમયમાં તેના ત્રીજા ફેઈઝના પ્લાન્ટની ઉત્પાદન કેપેસિટી બમણી એટલે કે 7.5 લાખથી 15 લાખ કારની કરશે જ્યારે નેધરલેન્ડના ભારત સ્થિત રાજદૂત માર્ટન વેન ડેન્ગ બર્ગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથેની બેઠકમાં ગુજરાત સાથે પોર્ટ લેડ ડેવલપમેન્ટ તેમજ દહેજ પીસીપીઆઈઆરમાં નેધરલેન્ડના ઉદ્યોગોના રોકાણ માટે ઉત્સુકતા દર્શાવી હતી. દહેજમાં રૂ. 1500 કરોડના રોકાણ સાથે નેધરલેન્ડની અગ્રણી કંપની રોયલ વોપાકે જેટી નિર્માણના કરાર કર્યા છે.
અને તેના આધાર પર નેધરલેન્ડની અન્ય કંપનીઓને પણ ગુજરાતમાં રોકાણો માટે પ્રેરિત કરવાની બાબતે પણ તેમણે વિચાર વિમર્શ કર્યો છે. ઉપરાંત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ચેરમેન ગુરુપ્રસાદ મહાપાત્રએ કરેલી ચર્ચા દરમિયાન જણાવ્યું હતું કે, રાજકોટ ધોલેરા અને રાજપીપળામાં એરપોર્ટ નિર્માણમાં એરપોર્ટ ઓથોરિટી સહયોગ આપશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે બહોળા પ્રમાણમાં લોકો આવી શકે તે માટે રાજપીપળા ખાતે એરપોર્ટ વિકસાવાશે તેમજ ધોલેરામાં ઇન્ટરનેશનલ એરપોર્ટને અમદાવાદ ન્યુ એરપોર્ટ તરીકે વિકસાવવીને આંતરરાષ્ટ્રીય સેવાઓ માટે અનુરૂપ બનાવાશે.
વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2019નાં સંદર્ભમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની વિવિધ વિશેષતાઓ રજૂ કરતા ગુજરાતમાં મૂડીરોકાણ, ટેકનોલોજી ટ્રાન્સફર, નોલેજ શેરિંગ માટે અન્ય દેશો તેમજ તજજ્ઞ કંપનીઓને આમંત્રણ પણ પાઠવ્યું છે. આગામી વાયબ્રન્ટ સમિટમાં નેધરલેન્ડનું હાઈપાવર ડેલીગેશન સહભાગી થાય તે માટે ખાસ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે કારણ કે, નેધરલેન્ડ આ વર્ષના વાયબ્રન્ટ સમિટનું પાર્ટનર ક્ધટ્રી છે. આથી જ વિજયભાઈ રૂપાણી એ ખાસ કરીને ગુજરાતમાં હાલ કાર્યરત નેધરલેન્ડ ઉદ્યોગકારોને મળી રહેલી સવલતો અને સરકારના પ્રોત્સાહન અંગેની ફળદાયી ચર્ચાઓ કરી હતી. આ સિવાય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વન-ટુ-વન બેઠક દરમિયાન સુમંત સિન્હા (રીન્યુ પાવર વેંચર્સ( રાજીવ છાબા (એમજી મોટર્સ), વિશાલ વાંછો (જીઈસાઉથ એશિયા), રાજન ભારતી મિત્તલ (એરટેલ), અજય સિંગ (સ્પાઇસ જેટ), શ્રીકાંત સોમાન્ય (સોમાણી સીરામિક્સ) સાથે વાઈબ્રન્ટ સમિટ 2019 વિશે વાર્તાલાપ કર્યો હતો.
મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ કહ્યું કે, વાયબ્રન્ટ સમિટ હવે ગ્લોબલ નેટવર્કિંગ પ્લેટફોર્મ અને વર્લ્ડ ક્લાસ સ્ટેટ ઓફ ધી આર્ટ ફેસેલિટીઝનું વિશ્વમંચ બની ગઈ છે. ગુજરાત ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસથી આગળ વધી ફીલ ઓફ ડુઇંગ બિઝનેસનો અનુભવ અહીં રોકાણ કરનારા સૌને કરાવે છે.