પ્રસૂતિ રજા માટે હવે સરકાર દ્વારા કંપનીને 7 સપ્તાહના નાણા અપાશે

નવીદિલ્હી, તા.16
મહિલા કર્મચારીઓને ધ્યાનમાં રાખીને સરકાર હવે મહિલાઓને મળતી પ્રસૂતિ રજાનો 7 અઠવાડિયાનો પગાર કંપનીઓને આપશે. કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે ગુરૂવારે કહ્યું કે માસિક 15 હજાર રૂપિયાથી વધુ પગાર લેનારી મહિલાઓને મળતી પ્રસૂતિ રજાનો 7 અઠવાડિયાનો પગાર સરકાર નોકરીદાતા કંપનીને પાછો આપશે. સરકાર તરફથી આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે કે જ્યારે આવી ફરિયાદ સામે આવી રહી હતી કે પ્રસૂતિ રજાનો સમયગાળો 12 અઠવાડિયાથી વધારીને 26 અઠવાડિયા સુધીનો કર્યા બાદ તમામ કંપનીઓ ગર્ભવતી મહિલાઓને નોકરી આપવામાં ઈચ્છા ધરાવતી નથી.
એવી ફરિયાદો પણ સામે આવતી હતી કે કેટલીકં કંપનીઓ ગર્ભવતી મહિલાઓને નોકરીમાંથી ઘરનો રસ્તો બતાવી હતી.
સરકારી અને ખાનગી બંને ક્ષેત્રમાં કામ કરનારી મહિલાઓ સરકારની આ જાહેરાતના દાયરામાં આવશે. મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ રાકેશ શ્રીવાસ્તવે કહ્યું કે આ નિર્ણય એટલા માટે કરવામાં આવ્યો છે કે શ્રમ કલ્યાણના સેસ પડેલા ધનનો ઉપયોગ નોકરીદાતાઓને આપવા માટે કરાશે.
શ્રીવાસ્તવે કહ્યું કે રાજ્ય સરકારો પાસે પડેલા શ્રમિક કલ્યાણના
સેસનો ઉપયોગ ખૂબ જ ઓછો થઈ રહ્યો છે.
લેબર મિનિસ્ટ્રી સાથે વાતચીત થયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે કે 26 અઠવાડિયામાંથી 7 અઠવાડિયાની પગારની રકમ કર્મચારીઓને અપાશે. શ્રીવાસ્તવે કહ્યું કે માસિક 15 હજાર રૂપિયાથી વધુ પગાર મેળવનારી મહિલાઓની રજા માટે સરકાર ચૂકવશે.
ચાલુ વર્ષે સરકારે મેટરનિટી લીવને 12 અઠવાડિયાથી વધારીને 26 અઠવાડિયા સુધી કરી દીધી હતી. શ્રીવાસ્તવે કહ્યું, આ ફેરફાર બાદ એવી તમામ ફરિયાદો આવી કે પ્રસૂતિ રજાનો સમયગાળો વધારવાને કારણે કેટલીક કંપનીઓમાંથી મહિલાઓને નોકરીમાંથી નિકાળવામાં આવી
રહી છે.
છેલ્લા દિવસે આ રિપોર્ટ પણ સામે આવ્યો હતો કે મેટરનિટી લીવને 12 અઠવાડિયાથી વધારીને 26 અઠવાડિયા સુધી કરી દેવાથી કંપનીઓ મહિલાઓને નોકરી આપવામાં મુશ્કેલી અનુભવી રહી છે.