હાશ... બે - ચાર દિ’ સુર્યનારાયણ ‘ટાઢા’ પડશે

  •  હાશ... બે - ચાર દિ’ સુર્યનારાયણ ‘ટાઢા’ પડશે
    હાશ... બે - ચાર દિ’ સુર્યનારાયણ ‘ટાઢા’ પડશે

રાજકોટ તા. 1
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં સતત ચાર દિવસ સુધી સુર્યનારાયણએ કાળઝાળ ગરમીમાં બોકાસો બોલાવ્યા બાદ સામાન્ય બે - ચાર દિવસ સુધી તાપમાન સામાન્ય રહેવાની આગાહી હવામાન વિભાગે વ્યકત કરી છે
હવામાન વિભાગના સુત્રોના જણાવ્યા મુજબ સુર્યનારાયણ આકરા મિજાજમાં આવી ગયા હતા રાજકોટ, સુરેન્દ્રનગર, કચ્છ, અમરેલી સહિતના શહેરોમાં તાપમાન 44 થી 45 ડિગ્રીને પાર કરી જતા લોકો કાળઝાળ ગરમીથી તોબા પોકારી ગયા હતા અનેક શહેરોમાં તાપમાન વધતા એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.
આજથી તાપમાન સામાન્ય બનશે તાપમાનનો પારો 40 થી 41 ડિગ્રી સુધી રહેનાર છે. આમ આજથી પારો સામાન્ય રહેતા લોકોને કાળઝાળ ગરમીમાંથી મુક્તિ મળશે. જો કે બફારાનું પ્રમાણ વધશે એટલે લોકો પરસેવે રેબઝેબ થશે.
હવામાન વિભાગના સુત્રોએ જણાવ્યું છે કે આવતિકાલથી સૌરાષ્ટ્ર - કચ્છમાં વાદળછાયુ વાતાવરણ રહેવાની સંભાવના છે. સાથો સાથ પવનની ઝડપ વધશે. ગઇકાલથી જ સુર્યનારાયણનો કોપ ઓછો થયો હોય તેથી શહેરના તાપમાનમાં બે થી ચાર ડિગ્રીનો ઘટાડો થયો છે. ગઇકાલે રાજકોટ શહેરનું તાપમાન 41.4, ભાવનગરમાં 40.4, સુરેન્દ્રનગરમાં 41.8, કંડલામાં 40.3, અમરેલીમાં 42.0, પોરબંદરમાં 34.5, વેરાવળમાં 32.0, દ્વારકામાં 32.0, ઓખામાં 32.0, ભુજમાં 39.2, દિવમાં 35.8, ડિગ્રી તાપમાન નોંધાયું હતું. પવનની દિશા બદલાતા ગરમીમાં રાહત મળી છે આજે સવારે ભેજનું પ્રમાણ પણ વધી ગયું છે રાજકોટમાં 66 ટકા, ભાવનગરમાં 55, પોરબંદરમાં 81, વેરાવળમાં 83, દ્વારકામાં 72, મહુવામાં 80, દિવમાં 79, ઓખામાં 64 ટકા ભેજનું પ્રમાણ નોંધાયું હતું. ઓરિસ્સાના દરિયાકાંઠે ફેની નામનું વાવાઝોડું સર્જાયું છે તેની અસર હવામાન ઉપર પડી છે જો કે સૌરાષ્ટ્ર - કચ્છના હવામાન ઉપર તેની કોઇ અસર પડનાર નથી પરંતુ સુર્યનારાયણ સામાન્ય રહેતા લોકોને કાળઝાળ ગરમીમાંથી મુક્તિ મળનાર છે.