મંગળવારે પરશુરામ જન્મ જયંતીએ વિવિધ કાર્યક્રમો

  •  મંગળવારે પરશુરામ જન્મ જયંતીએ વિવિધ કાર્યક્રમો
    મંગળવારે પરશુરામ જન્મ જયંતીએ વિવિધ કાર્યક્રમો

રાજકોટ તા. 1
હીન્દુ ધર્મ ગ્રંથો અનુસાર પરશુરામ ભગવાન વિષ્ણુના મુખ્ય અવતારોમાંથી એક છે, ભગવાન પરશુરમાનો જન્મ વૈશાખ માસના સુદ પક્ષની ત્રીજના થયો હતો. પરશુરામ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અંશાવતાર છે. તેમની ગણના શ્રીહરીના દશાવતારોમાં થાય છે. તેના પરથી જ તેમનું મહત્વ સમજી શકાય છે. ભગવાન પરશુરામ યોગ વેદ અને નીતિમાં પારંગત હતા.
આગામી તા. 7/5/19ના રોજ મંગળવારે અખાત્રીજના પાવન પર્વે ભગવાન પરશુરામજીની જન્મ જયંતિ છે ત્યારે શહેરની ભાગોળે આવેલ માધાપર સ્થિત ઇશ્ર્વરીયા મહાદેવના સાનિધ્યમાં ભગવાન પરશુરામ જન્મ જયંતિ નિમિતે અનેકવિધ કાર્યક્રમો યોજાશે. ભગવાન પરશુરામની જન્મ જયંતિની તડામાર તૈયારીઓનો જોરશોરથી પ્રારંભ કરવામાં આવ્યો છે. અને ભુદેવોમાં અદમ્ય ઉત્સાહનો માહોલ વ્યાપી ગયો છે ત્યારે આ કાર્યક્રમની વધુ વિગત આપતા સૌરાષ્ટ્ર - કચ્છ સમસ્ત બ્રહ્મસમાજના રાજકોટ જિલ્લાના પ્રમુખ પંકજભાઇ રાવલે જણાવ્યું હતું કે દર વર્ષે શહેરના પ્રસિધ્ધ અને લાખો લોકોની શ્રધ્ધાનું કેન્દ્ર સ્વયંભુ એવા ઇશ્ર્વરીયા મહાદેવ ખાતે પરશુરામ મંદિર ખાતે ભગવાન પરશુરામ જયંતીની ધામધુમથી ઉજવણી કરવામાં આવે છે ત્યારે દર વર્ષની માફક આ વર્ષે પણ તા. 7/5/19ના મંગળવારે અખા ત્રીજના પાવન અવસરે પરશુરામ જન્મજયંતી અંતર્ગત સવારે 10:00 કલાકે પરશુરામદાદાની મહાપુજા, સાંજે 7:00 કલાકે મહાઆરતી તેમજ રાત્રે 8:00 કલાકે મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાશે અને ભક્તિ, ભજન અને ભોજનનો અનેરો ત્રિવેણી સંગમ સર્જાશે. ત્યારે સૌરાષ્ટ્ર- કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ, રાજકોટ જિલ્લાના પ્રમુખ પંકજ રાવલે પરશુરામ જન્મોત્સવને ઉજવવા સૌરાષ્ટ્રભરમાંથી સમસ્ત ભુદેવોને ઉમટી પડવા અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં તમામ તડગોળના પ્રમુખ - મહામંત્રીઓ, સમાજશ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહેશે તેમજ આ કાર્યક્રમને સંપુર્ણ સહયોગ પ્રદીપભાઇ રાવલ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સાંપડી રહ્યો છે. તેમ ‘ગુજરાત મિરર’ કાર્યાલયની મુલાકાતે આવેલા પંકજ રાવલ, જયંત ઠાકર, સમીર એમ.બીરા, દિપકભાઇ સુડીયા (જોષી), મોહિતભાઇ લહેદ, અજયભાઇ સાતા, નિરંજન દવે અને સતીષભાઇ રાવલે જણાવ્યું છે.