‘મેગી’ માં સીસુ: કંપનીના એકરાર બાદ 640 કરોડના દંડની વકી

નવી દિલ્હી તા.4
‘ટેસ્ટી પણ અને હેલ્ધી પણ’ના દાવા સાથે ‘બે મીનિટમાં મેગી’ પિરસનારી જાણીતી કંપની નેસ્લે ઈન્ડિયાની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. સુપ્રીમ કોર્ટે નેસ્લે ઈન્ડિયા વિરૂદ્ધ રાષ્ટ્રીય ઉપભોક્તા વિવાદ નિવારણ પંચમાં સરકારને કેસમાં આગળની કાર્યવાહી હાથ ધરવાની મંજૂરી આપી દીધી છે. સાથે જ નેસ્લે ઈન્ડિયા પર અધધધ 640 કરોડ રૂપિયાના દંડને લઈને તલવાર લટકી રહી છે.
વૈશ્વિક ફૂડ અને બેવેરજ કંપની ‘નેસ્લે ઇન્ડિયા’ એ સુપ્રીમ કોર્ટમાં સ્વીકાર કર્યો છે કે તેમની સૌથી લોકપ્રિય એફએમસીજી બ્રાન્ડ મેગીમાં લેડ એટલે કે સીસું હતું. કોર્ટમાં આ મામલે સુનાવણી વખતે કંપનીના વકીલોએ આ વાતનો સ્વીકાર કર્યો હતો.
કોર્ટમાં આ મામલા અંગે ચાલી રહેલી સુનાવણી દરમિયાન વકીલોની આ સ્વીકૃતિના લીધે સરકાર વિરુદ્ધ નેસ્લે વચ્ચે ચાલતી લડાઈએ વધુ જોર પકડશે. કોર્ટમાં ‘મેગી’ એ સીસાના પ્રમાણને લઈને એનસીડીઆરસી દ્વારા દાખલ કરવામાં આવેલી એક અરજી ઉપર સુનાવણી કરી હતી.
ઉલ્લેખનીય છે કે, આરોગ્ય સુરક્ષાનાં માપદંડ પુરા ન કરી શકવાના લીધે ગત વર્ષે 550 ટન ‘મેગી’ ને નષ્ટ કરવામાં આવી હતી. આ ઉપરાંત, સરકારે વળતર પેટે રૂ. 640 કરોડની માંગ કરી હતી.
સુપ્રીમના જજે ‘નેસ્લે’ ના વકીલને કહ્યું હતું કે, શું તેમણે લેડ (સીસા)ની હાજરી સાથેની ‘મેગી’ ખાવી જોઈએ ? તેમણે પહેલા જ તર્ક આપ્યો હતો કે મેગીમાં લેડની માત્રા પ્રાપ્ત જરૂરી છૂટછાટ (પરમિસિબલ લિમિટ)ની અંદર હતી અને હવે તેઓ સ્વીકાર કરી રહ્યા છે કે, ‘મેગી’માં સીસું હતું