લગ્ન સિઝન માટે એસ.ટી બસ બુક કરવામાં પડાપડી

  • લગ્ન સિઝન માટે એસ.ટી બસ બુક કરવામાં પડાપડી
    લગ્ન સિઝન માટે એસ.ટી બસ બુક કરવામાં પડાપડી

રાજકોટ તા.27
રાજકોટ સહિત રાજ્યભરમાં 14 જાન્યુ.એ કમુરતા ઉતર્યા બાદ જાન્યુ.ના અંત સુધીમાં ઢગલાબંધ લગ્નોના આયોજનો લેવાયા છે. રાજકોટ એસ.ટી.ને લગ્નગાળામાં એસટી બસોને જાનમાં લઇ જવા 18 વોલ્વો સહિત 70 જેટલી અદ્યતન બસોના બુકીંગ અત્યારથી જ મળી ગયા છે. જાન્યુ.ના મધ્યભાગ સુધીમાં આ બુકીંગ 100 થી વધુ થાય તેવા સંકેતો મળ્યા છે. દરરોજ ચારથી પાંચ વ્યક્તિઓ ભાડા સહિતના મુદ્દે પુછપરછ કરવા આવે છે તેવું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.
રાજકોટ સહિત રાજ્યમાં આગામી જાન્યુ/ફેબ્રુ.માં લગ્નોમાં ઢગલાબંધ મુર્હૂતો છે. લગ્નસરામાં ખાનગી બસોને ટક્કર મારવા એસ.ટી. દ્વારા પણ વોલ્વો સહિતની ટનાટન શણગારેલી બસો ભાડે આપવા ખાસ નિયમ બનાવી ગત સીઝનથી આ યોજના અમલી કરાયેલી છે. આ વર્ષે એસટી નિગમ રાજકોટને જાન્યુ.ના ર1 થી ર8 દરમ્યાન અત્યાર સુધીમાં 70 જેટલી બસોના બુકીંગ મળી ચુકયા છે. એસટી ડીવીઝનને પોતાની બસો રાહતભાવે ભાડે ચલાવવાથી લાખો રૂપિયાની આવક થાય છે.
દરમ્યાન આગામી લગ્નગાળાની સીઝન સંદર્ભે હાલમાં એસટી બસોનું બુકીંગ ચાલુ છે. આજદિન સુધીમાં 70 બસોમાં બુકીંગ મળ્યા છે. હજુ પુછપરછ ચાલુ છે. જાન્યુ.ના પ્રથમ-દ્વિતીય સપ્તાહ દરમિયાન વધુ બસોના બુકીંગ મળે તેવી ધારણા છે. એસટી દ્વારા જાન માટે અપાતી બસો અપ-ટુ-ડેઇટ તથા નવી નક્કોર અને સુશોભિત કરેલી આપવામાં આવે છે અને આ બસના ચાલકોને પણ ખાસ તાલીમ તથા અનુભવીને મુકવામાં આવે છે. આમ આગામી લગ્નગાળો એસટીને બસોના ભાડાથી લાખોની કમાણી કરાવી આપે તેવા સંકેતો એસટી સતાવાળાઓએ આપેલા છે.