રાજકોટ યાર્ડના ડિરેકટર પદેથી મગન ઝાલાવડિયાની હકાલપટૃી

  • રાજકોટ યાર્ડના ડિરેકટર પદેથી મગન ઝાલાવડિયાની હકાલપટૃી
    રાજકોટ યાર્ડના ડિરેકટર પદેથી મગન ઝાલાવડિયાની હકાલપટૃી

રાજકોટ તા.27
ટેકાના ભાવની મગફળીમાં ભેળસેળ કૌભાંડ અને બારદાનકાંડના આરોપી એવા ભાજપ અગ્રણી મગનભાઇ ઝાલાવડીયાને આખરે રાજકોટ (ભાજપ શાસિત) માર્કેટ યાર્ડના ડીરેકટરપદેથી ગડગડીયું આપી દેવામાં આવ્યું છે. તેને બરતરફ કરતા સહકાર નિયામકના હુકમની આજે યાર્ડની સામાન્ય સભામાં બાકાયદા નોંધ કરી નિર્ણય જાહેર કરાયો હતો. રાજકોટ માર્કેટ યાર્ડના આજે મળેલા જનરલ બોર્ડમાં એજન્ડાની 14 આઇટમોમાં સ્ટાફની લોન મંજુરી, ટીએડીએ, ઇન્ક્રીમેન્ટ જેવા મુદ્દાઓ સાથે ઝાલાવડીયાની બરતરફીનો મુદ્દો પણ સમાવિષ્ટ હતો. બેઠકમાં ડીરેકટર હરદેવસિંહ જાડેજા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.
યાર્ડના સતાધીશોએ તમામ મુદ્દે ચર્ચા વિચારણા કરી નિર્ણય લીધા હતા. સૂત્રો જણાવે છે કે ઝાલાવડીયાને યાર્ડના ડીરેકટર પદેથી પડતા મુકવા માટે યાર્ડ સતાધીશોએ અગાઉની બેઠકમાં જ ઠરાવ કરીને જે દરખાસ્ત મોકલી હતી, તેના પગલે 8 ડીસેમ્બરે જ રાજ્યના સહકાર નિયામકે મગનભાઇ ઝાલાવડીયાને બરતરફ કરતો આદેશ જારી કરી દીધો હતો. આજે યાર્ડના ડીરેકટરોએ બેઠકમાં સહકાર નિયામકના એ ઓર્ડરની નોંધ કરી ઝાલાવડીયાને ડીસમીસ ઠરાવ્યા છે. જો કે, યાર્ડ સતાધીશો અને રાજ્ય સરકારના આ નિર્ણય સામે અપીલ કરવી હોય તો નિયમાનુસાર તેની પાસે 30 દિવસનો સમય રહે છે.
નોંધનીય છે કે યાર્ડના ડીરેકટર અને ગુજકોમાશોલના સૌરાષ્ટ્રના મેનેજર દરજ્જે મગન ઝાલાવડીયા જે તે સમયે ટેકાના ભાવની મગફળીની ખરીદી, સંગ્રહ, વેચાણ વગેરે પ્રક્રિયા પર પ્રભાવ ધરાવતા હતા તથા એ સમયગાળામાં જ મિલાવટ આગ વગેરે પ્રકરણ ઉખળ્યા હતા અને પોલીસે આજથી થોડા મહિના પહેલા તેની ધરપકડ કરી હતી.