શનિવારી બજારના ધંધાર્થીઓના કોર્પોરેશનમાં ધામા

  • શનિવારી બજારના ધંધાર્થીઓના કોર્પોરેશનમાં ધામા
    શનિવારી બજારના ધંધાર્થીઓના કોર્પોરેશનમાં ધામા

રાજકોટ તા.29
રાજકોટ શહેરની પ્રખ્યાત શનિવારી બજારમાં દારૂનું વેચાણ થતું હોવાની તેમજ પીધેલાઓ બજારમાં ફરતા હોવાના કારણે મહિલાઓની છેડતી થતી હોવા સહિતની આજુબાજુના રહેવાસીઓની ફરીયાદોના પગલે મ્યુનિ. કમિશ્નર બંછાનિધિ પાનીએ શનિવારી બજાર બંધ કરાવતા આજરોજ શનિવારી બજારના 100 થી વધુ ધંધાર્થીઓએ મ્યુનિ. કમિશ્નરને રજુઆત કરતા ન્યુ-સન્સ ન ફેલાય તેની ખાતરી લીધા બાદ શનિવારી ચાલુ રાખવાનું જણાવતા ધંધાર્થીઓમાં હર્ષની લાગણી છવાઇ ગઇ હતી. રાજકોટમાં મોટા મવા ખાતે શનિવારે ભરાતી સસ્તી બજાર શનિવારી બજાર તરીકે પ્રખ્યાત છે. જેમાં ખાસ કરીને દર શનિવારે વહેલી સવારથી મહિલાઓ ખરીદી કરવા વધુ પ્રમાણમાં આવતી હોય છે પરંતુ છેલ્લા થોડા સમયથી આજુબાજુના રહેવાસીઓ તેમજ ખરીદી કરવા આવતી મહિલાઓ દ્વારા બજારમાં દેશી દારૂનું વેચાણ થતું હોવાનું તેમજ પીધેલાઓ બજારમાં આટાફેરા કરતા હોવાથી મહિલાઓની સલામતી જોખમાતી હોવા સહિતની ફરીયાદો ઉઠવા પામતા મ્યુનિ. કમિશ્નરે ગત સપ્તાહે શનિવારી બજાર બંધ કરવાનો આદેશ કર્યો હતો.
કમિશ્નરના આદેશના પગલે જગ્યારોકાણ વિભાગ દ્વારા મોટા મવા ખાતે શનિવારી જે જગ્યાએ ભરાય છે ત્યાંથી અમુક ધંધાર્થીઓને ખદેડાતા આજરોજ શનિવારી બજારના 100 થી વધુ મહિલા તથા પુરૂષ ધંધાર્થીઓએ કોર્પોરેશન ખાતે ધસી જઇ મ્યુનિ. કમિશ્નરે રજુઆત કરી જણાવેલ કે શનિવારીમાં ધંધો કરી અને અમારા પરીવારનું ગુજરાત ચલાવીએ છીએ આથી બજાર બંધ કરવામાં ન આવે પરીણામે કમિશ્નરે ન્યુ-સન્સ નહીં કરવાની શરતે ધંધાર્થીઓએ શનિવારી બજારમાં બેસવાની છુટ આપી પોલીસ વિભાગને શનિવારી બજારમાં સરપ્રાઇઝ ચેકીંગ કરી ન્યુ-સન્સ ફેલાવતા તત્વોને પકડી પાડવા અનુરોધ કર્યો હતો.