રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આજે બેંક હડતાલથી ખોરવાશે 4000 કરોડનું કલીયરીગ

  • રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આજે બેંક હડતાલથી ખોરવાશે 4000 કરોડનું કલીયરીગ
    રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આજે બેંક હડતાલથી ખોરવાશે 4000 કરોડનું કલીયરીગ

રાજકોટ તા.25
રાજકોટ સહિત રાજ્યભરમાં આવતિકાલે બેંક હડતાળના પગલે કરોડો રૂપિયાના નાણાંકિય વ્યવહારો ખોરવાઈ જશે. કેન્દ્ર સરકારે બેંકોનું ખાનગીકરણ કરતા બેંક કર્મચારીઓમાં ભારોભાર આક્રોશ સાથે વિરોધ પ્રદર્શનનું એલાન કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના 7000 સહિત રાજ્યના 48 હજાર મળી દેશના કુલ 10 લાખ કર્મચારીઓએ હડતાલ પાડી સરકારના નિર્ણયનો સખ્ત વિરોધ કરનાર છે.
રાજકોટમાં બેંક હડતાળના કારણે અંદાજે 250થી 300 કરોડના નાણાકીય વ્યહાર ખોરવાઈ જનાર છે જ્યારે સૌરાષ્ટ્રમાં 4000 કરોડ અને સમગ્ર અટકી પડનાર હોવાનું બેંક યુનિયનના સુત્રોએ જણાવ્યું છે.
કેન્દ્રની એન.ડી.એ.સરકારે દેનાબેન્ક, બેન્ક ઓફ બરોડા, અને વિજ્યાબેન્કને મર્જ કરવાનો નિર્ણય લીધો છે તે સામે તા.26ના દેશભરના 9 લાખ બેન્ક કર્મચારીઓની સાથે સૌરાષ્ટ્રના 7000 કર્મચારીઓ હડતાળ પર જશે. આજે નાતાલની રજા બાદ બુધવારે રાષ્ટ્રીયકૃત બેન્કોમાં હડતાળથી લોકોના આર્થિક વ્યવહારો ખોરવાશે.
બુધવારની હડતાળ અંગે ગુજરાત બેન્ક વર્કર્સ યુનિયને જણાવ્યું કે કેન્દ્ર સરકારના આ પગલાથી ગુજરાતમાં આશરે 300 બેન્ક શાખાઓ બંધ થશે અને ભૂતકાળના અનુભવ મૂજબ બેન્કોનું ડૂબત લેણું પણ વધશે જે કારણે તેનો વિરોધ પ્રદર્શિત કરવા હડતાળ પડી રહી છે. બેન્ક કર્મચારી આગેવાનોએ જણાવ્યું કે બેન્કોનું મર્જરથી બેકારી વધશે, ખેડૂતો અને ગરીબ લોકોને અન્યાય થશે. કેન્દ્ર સરકાર એન.પી.એ.થી લોકોનું બીજે ધ્યાન દોરવા મર્જરનું ગતકડું કરી રહી છે.
ગત શુક્રવારે હડતાળ, શનિવાર અને રવિવારે રજા બાદ ફરી બે દિવસ બેન્કો બંધ રહેશે જેના પગલે કરોડો રૂપિયાના વ્યવહારો ઠપ્પ થશે. સૌરાષ્ટ્રમાં અનેક સ્થળે વિરોધ પ્રદર્શનો કરવામાં આવ્યા છે.
પોરબંદરમાં બેન્ક કર્મચારીઓ દ્વારા સરકારની બેન્ક એકત્રીકરણ સહિતની નીતિ-રીતિના વિરોધમાં પોરબંદરની બેન્ક ઓફ બરોડાની એમ.જી.રોડની શાખા સમક્ષ વિરોધ પ્રદર્શન અને સૂત્રોચ્ચાર કરાયા હતા. જ્યારે જામનગરમાં યુ.એફ.બી.યુ.ના નેતા હેઠળ બેન્ક કર્મચારીઓ અનેઅધિકારીઓએ યુકો બેન્કના દ્વારે ઉગ્ર દેખાવો કરવામાં આવ્યા હતા અને સૂત્રોચ્ચારો કરાયા હતા. આ જ રીતે જુનાગઢમાં પણ દિવાનચોક ખાતે સૂત્રોચ્ચાર કરીને રોષ વ્યક્ત કરાયો હતો. રાજકોટમાં આવતિકાલે બેન્ક ઓફ ઈન્ડિયા, પરાબજાર ખાતે સવારે 10.30 વાગ્યે દેખાવો, વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.