રાજકોટનો પોલીસ કોન્સ્ટેબલ 10 હજારની લાંચમાં ઝડપાયો

  • રાજકોટનો પોલીસ કોન્સ્ટેબલ 10 હજારની લાંચમાં ઝડપાયો
    રાજકોટનો પોલીસ કોન્સ્ટેબલ 10 હજારની લાંચમાં ઝડપાયો

રાજકોટ તા.25
ઝડપાયેલા કોન્સ્ટેબલને રીમાન્ડ અર્થે રજૂ કરાતા કોર્ટે બે દિવસીય રીમાન્ડ મંજૂર કર્યા હતા. રાજકોટ સહીત રાજ્યભરમાં લાંચીયા અધિકારીઓ ઉપર એસીબી દ્વારા ધોંસ બોલાવવામાં આવી રહી છે ત્યારે આજી ડેમ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલને જુગારના કેસમાં માર નહિ મારવા અંગે 10 હજારની લાંચ લેતા એસીબીના સ્ટાફે રંગેહાથ ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે આ એક જ સપ્તાહમાં રાજકોટ એસીબીએ બે લાંચીયા કર્મીઓને ઝડપી લીધા છે.
રાજકોટની આજી ડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા ફરિયાદી અને તેના કુટુંબના સભ્યો ઉપર ગત જન્માષ્ટમી પર્વ ટાણે જુગારનો કેસ આજી ડેમ પોલીસ દ્વારા કરવામાં આવ્યો હતો આ કેસમાં માર નહિ મારવા અંગે વર્ગ 3ના પીસીઆર 13માં ફરજ બજાવતા અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ ગંગદાસભાઈ પારખીયાએ ફરિયાદી પાસેથી રૂપિયા 10,000ની માંગણી કરી હતી પરંતુ જે તે વખતે ફરિયાદીએ લાંચ આપવાની ના પાડી દીધી હતી જેનો ખાર રાખીને પાંચેક દિવસ પૂર્વે મહેન્દ્ર પારખીયાએ ફરિયાદીને દારૂ પીવાના ખોટા કેસમાં ફિટ કરાવી માર મારવાની ધમકી આપી ફરીથી જુગારના કેસ વખતના 10 હજાર રૂપિયાની માંગણી કરી હતી આ અંગે ફરિયાદીએ એસીબીમાં જાણ કરતા એચ પી દોશીના સુપરવિઝન હેઠળ રાજકોટ એકમના પીઆઇ એન કે વ્યાસ, પીએસઆઇ એસ વી ગોસ્વામી તથા રાજકોટ અને જામનગર એસીબી સહિતના સ્ટાફે આજી ડેમ ચોકડી નજીક છટકું ગોઠવ્યું હતું અને ફરિયાદી પાસેથી કોન્સ્ટેબલ મહેન્દ્રએ લાંચની રકમ રોકડા 10,000 સ્વીકારતા જ રંગેહાથ ઝડપી લીધો હતો અને ધોરણસરની કાર્યવાહી કરી હતી એક જ સપ્તાહમાં એસીબીએ આ કોન્સ્ટેબલ અને વિદેશ વ્યાપારના અધિકારીને ઝડપી લઇ બે કેસ કરી સપાટો બોલાવી દીધો છે.
એસીબી દ્વારા આરોપી કોન્સ્ટેબલ મહેનદ્ર પારખીયાને રીમાન્ડની માંગણી સાથે અદાલતમાં રજૂ કરાતા અદાલતે તા.27.12 સુધીનાં બે દિવસીય પોલીસ રીમાન્ડ મંજૂર કર્યા હતા.