જામકંડોરણામાં ગૌ સેવાના લાભાર્થે ડાયરો યોજાયો

  • જામકંડોરણામાં ગૌ સેવાના લાભાર્થે ડાયરો યોજાયો
    જામકંડોરણામાં ગૌ સેવાના લાભાર્થે ડાયરો યોજાયો

જામકંડોરણા તા.2પ
જામકંડોરણા ખાતે ગૌરક્ષક સેવા સમિતિ દળ દ્વારા ગાયોના લાભાર્થે ભવ્ય કસુંબલ લોકડાયરો યોજાયો હતો. આ લોકડાયરામાં રાજ્યના કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા, રાજકોટ જીલ્લા દુધ સંઘના ગોવિંદભાઇ રાણપરીયા સહિતના રાજકીય, સામાજીક આગેવાનો તેમજ ગૌસેવકો તેમજ સાધુ-સંતોએ હાજરી આપી હતી.આ પ્રસંગે સંતો 1008 પ.પુ.મહામંડલેશ્ર્વર રમજુબાપુ, દુધીવદર ઓમ આશ્રમના સ્વામી ચંદ્રચૈતન્ય બ્રહ્મચારી મહારાજ, ધારેશ્ર્વર મહાદેવ ધકાધારના પૂ.ચંદનગીરીબાપુ, ડોળીયા સદ્દગુરૂ આશ્રમના દેવરામબાપુ સહિતના સંતોએ આશીર્વાદ આપ્યા હતા. આ લોકડાયરામાં લોકસાહિત્યકાર દેવાયતભાઇ ખવડ તથા ગોવિંદભાઇ પાલીયા સહિતના કલાકારોેએ રમઝટ બોલાવી હતી. જોગાનુજોગ આ દિવસે મંત્રી જયેશભાઇ રાદડીયાનો જન્મદિવસ હોવાથી ગૌસેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા જયેશભાઇ રાદડીયાના હસ્તે કેક કાપી જન્મદિવસ મનાવ્યો હતો. ઉપસ્થિત શ્રોતાજનો તેમજ આગેવાનોએ જયેશભાઇ રાદડીયા પર ઓળઘોળ થઇ રૂપિયાનો વરસાદ વરસાવી આ ગૌસેવાના કાર્યમાં સહભાગી બનેલ અને આ લોકડાયરામાં આઠ લાખ જેટલી રકમનું દાન મળેલ. લોકડાયરાનો તાલુકાભરના લોકોએ લાભ લીધો હતો. આ સમગ્ર આયોજનમાં ગૌરક્ષક સેવા સમિતિના પ્રમુખ ક્રિપાલસિંહ જાડેજા, વિજયભાઇ રાણપરીયા, અરવિંદભાઇ વાડોદરીયા, નરેન્દ્રસિંહ જાડેજા, દિપકભાઇ ગજેરા સહિતના સમિતિના સભ્યોએ જહેમત ઉઠાવી હતી અને તમામ દાતાઓનો આભાર વ્યક્ત કરેલ.