નસીરૂદીને વિરાટને બદતમીઝ કહેતા સુનીલ શેટ્ટી થયો ખફા

  • નસીરૂદીને વિરાટને બદતમીઝ કહેતા સુનીલ શેટ્ટી થયો ખફા
    નસીરૂદીને વિરાટને બદતમીઝ કહેતા સુનીલ શેટ્ટી થયો ખફા

નવી દિલ્હી તા.21
નસીરુદ્દીન શાહે થોડા દિવસ પહેલા પોતાના ફેસબુક પર વિરાટ કોહલીને અસભ્ય ખેલાડી ગણાવ્યો હતો જેના પછીથી સોશિયલ મીડિયા પર નસીરુદ્દીન શાહને ક્રિકેટ અને કોહલીના ફેન્સ ટ્રોલ કરવા લાગ્યા હતા. એવામાં હવે બોલિવુડના તેમના સાથી કલાકાર સુનીલ શેટ્ટીએ નસીરુદ્દીન શાહના આ નિવેદનને લઈને પોતાની પ્રતિક્રિયા આપી છે.
સુનીલ શેટ્ટીએ કહ્યું છે કે તેમણે જે કહ્યું છે તે એમનો વિચાર હોય શકે છે પરંતુ મારો નથી. બોલિવુડમાં અન્ના તરીકે ઓળખાતા સુનીલ શેટ્ટીએ કહ્યું કે વિરાટ કોહલીમાં જીતની ઉત્સુકતા છે અને આજના ક્રિકેટમાં આક્રમક હોવું ખૂબ જરૂરી છે. સુનીલ શેટ્ટીએ કહ્યું કે ઓસ્ટ્રેલિયન ટીમ તો પહેલાથી જ આવું કરતી આવી છે પરંતુ આ વખતે તે ટેસ્ટ સીરિઝમાં ખરાબ પરફોર્મ કરી રહી છે એવામાં તે ભારતીય ટીમમાં આક્રમક વલણથી પરેશાન છે. સુનીલ શેટ્ટીએ કહ્યું કે વિરાટ કોહલી એક મહાન બેટ્સમેન છે અને તે જે પણ મેદાન પર કરે છે તે બિલકુલ યોગ્ય છે.
અત્રે નોંધનીય છે કે ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ પૂર્વ કેપ્ટન એલન બોર્ડરે પણ કોહલીના આક્રમક વલણને યોગ્ય કહ્યું છે.ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન એલન બોર્ડરે વિરાટ કોહલીની આક્રમકતાનો બચાવ કરતા કહ્યું કે ક્રિકેટને તેના જેવા ખેલાડીઓની જરૂરિયાત છે જે મેદાન પર ભાવુક રહે છે. બોર્ડરે મીડિયામાં જણાવ્યું હતું કે, ’આપણી રમતમાં આ પ્રકારના વધુ લોકો નથી. ક્રિકેટરો પ્રોફેશનલ થવાના કારણે આ કેટલીક હદે ઓછું થઈ ગયું છે.’ ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સીરિઝ દરમિયાન આક્રમક સેલિબ્રેશન કરવાના કારણે માઈક હસી, મિશેલ જોન્સન અને સંજય માંજરેકરે વિરાટ કોહલીની ટીકા કરી હતી.
ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ટીમ પેન સાથે પણ કોહલીની ગરમાગરમી થઈ હતી. બોર્ડરે કહ્યું, ’મેં કોઈ કેપ્ટનને વિકેટ લેવા પછી આવી રીતે સેલિબ્રેટ કરતા નથી જોયો. આ જરૂરિયાત કરતા વધુ છે પણ સારું પણ છે. તેમાં જનૂન છે.’ તેમણે એ પણ કહ્યું કે તે વિદેશની ધરતી પર જીત મેળવીને પોતાની છાપ છોડવા માગે છે.