તાલાલાના ઘુંસીયા ગીરમાં સોમવારે 44 ગામના સરપંચો-ઉપ સરપંચોનું સંમેલન

(સરદારસિંહ ચૌહાણ દ્વારા)
તાલાલા (ગીર) તા.21
તાલાલા તાલુકાના ઘુંસીયા ગીર ગામે તા.ર4-12-18ને સોમવારે સવારે 10 વાગ્યે કોળી સમાજની વાડીમાં તાલાલા પંથકના 44 ગામના સરપંચો તથા ઉપ સરપંચોનું સંમેલન યોજાશે.તાલાલા પંથકના સરપંચોના સુચીત નવ નિર્મિત સંગઠનના પ્રણેતા અને ઘુંસીયા ગીર ગામના યુવા અને કાર્યદક્ષ સરપંચ જીવાભાઈ રામે આપેલ વિગત પ્રમાણે તલાલા પંથકની ગ્રામીણ પ્રજા તથા ખેડૂતોની સમસ્યા તથા લોક પ્રશ્ર્નોનું સરળતા અને સમયસર સુખાકારી નિવારણ આવે પ્રજા તથા ખેડૂતોને યોગ્ય ન્યાય મળે માટે તાલાલા પંથકની ગ્રામીણ પ્રજાનો અવાજ બુલંદ બનાવવાના મુખ્ય ધ્યેય સાથે તાલાલા પંથકના સરપંચો-ઉપ સરપંચોનું સંમેલન યોજાઈ રહ્યું છે.
આ સંમેલનમાં તાલાલા પંથકમાં ર નંબરની એન્ટ્રીની ઠપ થયેલી કામગીરી તાકીદે શરૂ કરવા તથા ગ્રામ પંચાયતોના કામોમાંથી જીએસટી કાપવાનું બંધ કરવા તથા તાલાલા પંથકના જંગલખાતા તથા જીઈબી તથા ખેડૂતોને લગતા પ્રશ્ર્નોની ચર્ચાઓ કરી ગ્રામીણ પ્રજા તથા ખેડૂતોના પ્રાણ પ્રશ્ર્નોનું હકારાત્મક નિવારણ લાવવા જરૂરી ઠરાવો સાથે માંગણી કરવામાં આવશે. આ ઉપરાંત તાલાલા પંથકની ગ્રામીણ પ્રજા તથા ખેડૂતોની રોજીંદી પ્રક્રિયામાં અવરોધ રૂપ સમસ્યા તથા લોક પ્રશ્ર્નોનું નિવારણ લાવવા ગ્રામ પંચાયત કાયમી ઉપયોગી બને માટે તાલાલા પંથકના 44 ગામના સરપંચો-ઉપ સરપંચોનું મજબુત સંગઠનની રચના કરવામાં આવશે.તાલાલા પંથકની ગ્રામીણ પ્રજા તથા ખેડૂતોને ઉપયોગી થવા યોજાનાર આ સંમેલનમાં તાલાલા તાલુકાના તમામ સરપંચો તથા ઉપ સરપંચોએ ઉપસ્થિત રહેવા આ સંમેલનના આયોજક ઘુંસીયા ગીર ગામના સરપંચ જીવાભાઈ રામે તાલાલા પંથકની તમામ ગ્રામ પંચયતના પદાધિકારીઓને જાહેર આમંત્રણ સાથે અનુરોધ કર્યો છે.