સૌરાષ્ટ્ર-કચ્છની ૮ બેઠક પર ૭ કલાકમાં ૪૦.૨૯ ટકા મતદાન

  • સૌરાષ્ટ્ર-કચ્છની ૮ બેઠક પર ૭ કલાકમાં ૪૦.૨૯ ટકા મતદાન

સવારમાં ઠંડા પહોરે મતદારો નીકળ્યા પણ બપોરે એક 
વાગ્યા બાદ મતદાનમાં સન્નાટો
પ્રથમ છ કલાકમાં એક પણ છમકલાનો બનાવ નોંધાયો નથી રાજકોટ તા,૨૩
લોકસભા ચૂંટણીમાં આજે કુલ ૧૧૫ બેઠકો માટે ત્રીજા ચરણમાં મતદાન થઈ રહ્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છની ૮ સહિત રાજ્યની કુલ ૨૬ બેઠકો માટે આજે મતદાન શરુ થતાં જ મતદારોએ મંદ ઉત્સાહ દાખવી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. પ્રથમ ૭ કલાકમાં જ સૌરાષ્ટ્રમાં સરેરાશ ૪૦.૨૯ ટકા જેવુ મધ્યમ મતદાન થયાના વાવડ છે. સૌથી વધારે મતદાન સુરેન્દ્રનગરમાં ૪૨.૮૬ ટકા અને સૌથી ઓછું મતદાન અમરેલીમાં માત્ર ૩૮.૨૨ ટકા નોંધાયુ છે.
એક તરફ આજે સૌરાષ્ટ્રમાં ભયંકર ગરમી પડવાની શકયતા વચ્ચે આજે વ્હેલી સવારે ૭ વાગ્યાથી મતદાનનો પ્રારંભ થયો હતો. બપોરના ધગધગતા તાપથી બચવા સંખ્યાબંધ લોકોએ પ્રથમ કલાકોમાં જ મતદાન કરી લીધુ હતું. 
૧૦ વાગ્યે પ્રાપ્ત થયેલા આંકડાઓ પ્રમાણે સૌરાષ્ટ્રમાં પ્રથમ બે કલાકમાં જ ૧૫થી ૧૭ ટકા જેટલુ ધીંગુ મતદાન નોંધાયુ હતું.
જ્યારે ૧૦ વાગ્યા બાદ પણ મતદારોનો ખાસ પ્રવાહ જોવા નહીં મળતા બપોરે ૧ વાગ્યા સુધીમાં ૬ કલાકમાં સૌરાષ્ટ્ર-કચ્છની ૮ બેઠક ઉપર સરેરાશ ૩૬ ટકા જેવું મધ્યમ મતદાન નોંધાયું છે. જો કે બપોરે ૧ વાગ્યા બાદ ભારે ગરમીના કારણે મતદાનનો પ્રવાહ ધીમો પડતા સાંજ સુધીમાં ૫૫ ટકા આસપાસ મતદાન પહોંચવાની ધારણા વ્યક્ત કરાઈ છે.
સવારે ૫:૩૦થી ૬:૩૦ એમ કલાક સુધી દરેક મતકેન્દ્ર પર મોકપોલમાં જ કેટલાય બુથોમાં ઈવીએમ ખોટકાયા હોવાની ફરિયાદો ઉઠતા તાબડતોબ મશીન બદલાવાયા હતા. કેટલાક બુથો પર ટેકનિકલ ક્ષતિઓના કિસ્સાઓ પણ સામે આવ્યા હતા જે મતદાન ચાલુ થાય તે પૂર્વે જ નિવારી લેવામાં આવ્યા હતા. એકંદરે સૌરાષ્ટ્ર - કચ્છમાં કોઈ મોટા બનાવો વગર એકદમ શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલી રહ્યુ છે. સૌરાષ્ટ્ર-કચ્છની ૮ બેઠકો પર પ્રથમ કલાકોમાં થયેલા મતદાન પર નજર કરીએ તો રાજકોટમાં સરેરાશ ૧૦.૩ ટકા, સુરેન્દ્રનગરમાં ૭.૭૯ ટકા, ભાવનગરમાં ૧૦ ટકા, જૂનાગઢમાં ૮.૮ ટકા, જામનગરમાં ૮ ટકા, પોરબંદરમાં ૧૦ ટકા, અમરેલીમાં ૯૦.૩૩ ટકા જેવું મતદાન થયાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે. જસદણમાં ૧૦.૨૨ ટકા મતદાન થઈ ચુકયુ છે તો ધ્રાંગધ્રા - વઢવાણ અને દસાડામાં પણ સરેરાશ ૯ ટકાથી વધારે મતદાન થયુ હતું પરંતુ આશ્ર્ચર્ય જનક રીતે ચોટિલામાં પ્રથમ કલાકોમાં માત્ર ૨.૫ ટકા જ મતદાન થયું હતું પરંતુ ધીમેધીમે સ્પીડ પકડી હતી.
આ વખતે મતદાનના કલાકોમાં વધારો કરીને સાંજના ૬ વાગ્યા સુધી મતદાન થવાનું હોય સરેરાશ મતદાનની ટકાવારીમાં વધારો થવાની શકયતા છે.