ગુરુકુલ મહિલા કોલેજમાં યુવા રેડક્રોસ સોસાયટી યુનિટની સ્થાપના

  • ગુરુકુલ મહિલા કોલેજમાં યુવા રેડક્રોસ સોસાયટી યુનિટની સ્થાપના
    ગુરુકુલ મહિલા કોલેજમાં યુવા રેડક્રોસ સોસાયટી યુનિટની સ્થાપના

પોરબંદર,તા.21
ગુરુકુલ મહિલા કોલેજમાં યુવા રેડક્રોસ સોસાયટી યુનિટની સ્થાપના કરવામાં આવી છે.
રાજરત્ન શ્રેષ્ઠી નાનજીભાઈ કાલિદાસ મહેતા આર્યક્ધયા વિદ્યાલય ટ્રસ્ટ સંચાલિત પોરબંદરની ગુરુકુલ મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં સંસ્થાના આચાર્ય ડો. અનુપમ આર. નાગરના માર્ગદર્શન હેઠળ એન.એસ.એસ. વિભાગના ઉપક્રમે "યુવા રેડક્રોસ સોસાયટી યુનિટ ની સ્થાપન કરવામાં આવી હતી. "માનવ સેવા એ જ પ્રભુસેવા સુત્ર માનવ મૂલ્યોનું જતન કરવાનું શીખવી જાય છે. સંજોગોવશાત કે પછી અણધારી પરિસ્થિતિનો સામનો કરતા વ્યક્તિઓ, પરાધીન દશામાં જીવતા માણસો માટે તમે ઉપાડેલ મદદ કે કરેલ સહાયનું એક ડગલું તેના જીવનમાં સુખ-સંતોષ પરત લાવવા માટે ખૂબ ઉપકારક બને છે. આ માનવમૂલ્યોને વિદ્યાર્થીનીઓ સમજે તેવા હેતુસર ગુરુકુળ મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં "યુવા રેડક્રોસ સોસાયટી યુનિટની સ્થાપના કરવામાં આવી હતી. જેના ઉદઘાટના પ્રસંગે અતિથિ વિશેષ તરીકે "યુવા રેડક્રોસ સોસાયટી પોરબંદર જિલ્લા સંયોજક ધર્મેન્દ્રભાઈ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા. આ સમયે કોલેજના પ્રિ. ડો. અનુપમભાઈ નાગરે પ્રાસંગિક ઉદબોધન કરતા કહેલું કે કોઈપણ સંસ્થા માત્ર એક ટાપુ બની રહેવી જોઈએ નહીં. સમાજ વિકાસના કાર્યો કરનારી અનેક સંસ્થાઓ સાથેનું તેનું જોડાણ રાષ્ટ્રસેવાનું પ્રથમ પગથીયું બને છે. પ્રથમ વિશ્ર્વયુદ્ધ સમયે ઘાયલ સૈનિકોની સેવામાં ગાંધીબાપુ અગ્રેસર રહેલા. યુવા રેડક્રોસ સોસાયટી માનવતાના કાર્યોનું ધ્યેય લઈ ચાલે છે અને તેના માટે સર્વપ્રથમ સ્વાસ્થ્ય જાગૃતિ, સેવાભાવના અને મૈત્રીપૂર્ણ વ્યવહારની ખૂબ આવશ્યકતા રહેલી છે. આ ગુણો અભ્યાસકાળથી જ વિદ્યાર્થીનીઓમાં જન્મે તે પણ એટલું જ જરૂરી છે.
આ પ્રસંગે યુવા રેડ ક્રોસ સોસાયટી પોરબંદર જિલ્લા સંયોજકે આ યુનિટની રચનારીતિ અને નિયમોને વિસ્તારથી સમજાવ્યા હતા. આ ઉપરાંત યુવા રેડક્રોસ સોસાયટીમાં કઈ-કઈ પ્રવૃત્તિઓને આવરી લેવામાં આવી છે તેનો પણ તેમણે વિગતવાર પરિચય આપ્યો હતો. યુવા રેડક્રોસ સોસાયટીના સિધ્ધાંતો જેવા કે માનવતા, ભેદરહિતતા, તટસ્થતા, સ્વતંત્રતા, એકતા અને સ્વયંશિસ્તતાને પણ તેમણે સમજાવ્યા હતા. ગુરુકુલ મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં થયેલ યુવા રેડ ક્રોસ સોસાયટી યુનિટની સ્થાપના બાબતે તેમણે આનંદ વ્યક્ત કરેલ અને યુવા રેડક્રોસ સોસાયટીની સમગ્ર ટીમવતી અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન એન.એસ.એસ. વિભાગના પ્રો. ઓફિસર ડો. નયનભાઈ ટાંક તથા પ્રો. ઓફિસર ડો. શર્મિષ્ઠા પટેલ દ્વારા કરવામાં આવેલું જેમાં સર્વે વિદ્યાર્થીનીઓએ હાજર રહી ઉત્સાહ બતાવેલો.