IPL 2019: વોર્નર-બેયરસ્ટોના તોફાનમાં ઉડ્યું કોલકત્તા, 9 વિકેટથી હૈદરાબાદનો વિજય

  • IPL 2019: વોર્નર-બેયરસ્ટોના તોફાનમાં ઉડ્યું કોલકત્તા, 9 વિકેટથી હૈદરાબાદનો વિજય

હૈદરાબાદઃ ડેવિડ વોર્નર (67) અને જોની બેયરસ્ટો (80*)ની તોફાની ઈનિંગની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદે કોલકત્તા નાઇટ રાઇડર્સને આઈપીએલ સિઝન-12ના 38માં મુકાબલામાં 9 વિકેટથી પરાજય આપ્યો છે. આ કોલકત્તાની સતત પાંચમી હાર છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી કોલકત્તા નાઇટ રાઇડર્સની ટીમે 20 ઓવરમાં 8 વિકેટ પર 159 રન બનાવ્યો અને સનરાઇઝર્સ હૈદરાબાદને જીત માટે હૈદરાબાદને 160 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ આસાન લક્ષ્યને સનરાઇઝર્સ હૈદરાબાદે 15 ઓવરમાં 1 વિકેટ ગુમાવી હાસિલ કરી લીધો હતો.  હૈદરાબાદનો 9 મેચોમાં આ પાંચમો વિજય છે અને તે 10 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાન પર પહોંચી ગયું છે. તો કોલકત્તાની 10 મેચોમાં આ છઠ્ઠી હાર છે અને તે આઠ પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાન પર છે. કોલકત્તાએ સતત પાંચમી હારનો સામો કરવો પડ્યો છે. કોલકત્તાએ આપેલા 160 રનોના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી હૈદરાબાદને વોર્નર અને બેયરસ્ટોએ પ્રથમ વિકેટ માટે 12.2 ઓવરમાં 131 રનની ભાગીદારી કરીને જીત પાક્કી કરી દીધી હતી.  વોર્નરને આઈપીએલ ટૂર્નામેન્ટમાં પોતાની પ્રથમ મેચ રમી રહેલા બોલર વાઈ. પૃથ્વીરાજે બોલ્ડ કર્યો હતો. વોર્નરે 38 બોલમાં ત્રણ ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા હતા. તેણે આ સિઝનમાં પોતાની છઠ્ઠી અડધી સદી પણ પૂરી કરી હતી. વોર્નર આઉટ થયા બાદ બેયરસ્ટોએ કેપ્ટન કેન વિલિયમસન (અણનમ 8 રન)ની સાથે બીજી વિકેટ માટે 30 રનની અણનમ ભાગીદારી કરીને 30 બોલ બાકી રહેતા હૈદરાબાદને જીત અપાવી દીધી હતી.