ગુજરાત સહિત 14 રાજ્યોમાં કાલે મતદાન

  • ગુજરાત સહિત 14 રાજ્યોમાં કાલે મતદાન

રાજકોટ તા,22
દેશમાં ત્રીજા તબકકાના મતદાનમાં આવતીકાલ તા.23ને મંગળવારે ગુજરાત સહિત 14 રાજ્યોમાં લોકસભાની 115 બેઠકો માટે મતદાન થશે. આ પૂર્વે રવિવારે સર્વત્ર પ્રચાર પડઘમ શાંત થઈ ગયા હતા. કાલે ભાજપના ગઢ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કર્મભૂમિ એવા ગુજરાત ઉપરાંત ઉત્તરપ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કર્ણાટક, ઓરિસ્સા, આસામ અને ગોવાની કેટલીક બેઠકો માટે મતદાન થશે. આવતીકાલના મતદાનમાં અમિતશાહ, મુલાયમસિંહ યાદવ, આઝમ ર્ખાં, જયાપ્રદા, શિવપાલ યાદવ, વરુણ ગાંધી વગેરેનું ભાવિ ઈવીએમમાં ‘સીલ’ થઈ જશે.
ગુજરાતમાં લોકસભા ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થઈ ચૂક્યા છે. હવે ઉમેદવારો માત્ર ડોર ટુ ડોર પ્રચાર કરી શકશે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર ઉમેદવારો જાહેરમાં સભા કે રોડ શો નહી કરી શકે તેમજ લાઉડ સ્પીકરના ઉપયોગ પર પણ પ્રતિબંધ 
મુકાયો છે. 23 એપ્રિલે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. આ વખતે કુલ 371 ઉમેદવારો મેદાનમાં છે.
ચૂંટણીમાં ઉમેદવારોના આંકડાઓ પર નજર કરીએ તો ભાજપ અને કોંગ્રેસે તમામ 26 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે. જ્યારે ગુજરાતમાં 59 વર્ષમાં પ્રથમ વખત સૌથી વધુ 28 મહિલા ઉમેદવારો મેદાનમાં છે. કુલ 371માંથી 60 ટકા ઉમેદવારોનું શિક્ષણ ધોરણ 5થી 12ની વચ્ચે છે. જ્યારે સૌથી વધુ 26 ટકા ઉમેદવારો ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. પ્રચારના છેલ્લા દિવસે પીએમ નરેન્દ્ર મોદીએ પાટણમાં, જ્યારે ભાજપ અધ્યક્ષ અમિત શાહે સાણંદમાં રોડ શો કર્યો. તો સામે બનાસકાંઠામાં કોંગ્રેસના અશોક ગેહલોત, રાજીવ સાતવે પણ છેલ્લી ઘડીનો પ્રચાર કર્યો.