પોરબંદરમાં જ્યાં-ત્યાં ગંદકી ફેલાવનારા અને લઘુશંકા કરનારા પાલિકાની ‘તિસરી આંખ’માં કેદ !

  • પોરબંદરમાં જ્યાં-ત્યાં ગંદકી ફેલાવનારા અને લઘુશંકા કરનારા પાલિકાની ‘તિસરી આંખ’માં કેદ !
    પોરબંદરમાં જ્યાં-ત્યાં ગંદકી ફેલાવનારા અને લઘુશંકા કરનારા પાલિકાની ‘તિસરી આંખ’માં કેદ !

પોરબંદર,તા.21
પોરબંદર શહેર ગાંધીજીની જન્મભૂમિ છે પરંતુ તેને ગંદકીની ભૂમિમાં પરિવર્તીત કરીને કેટલાક લોકો આ શહેરને વધુ ગંદુ કરી રહ્યા છે ત્યારે શહેરમાં જ્યાં-ત્યાં ગંદકી ફેલાવનારા અને લઘુશંકા કરનારાઓ પાલિકાની ‘તિસરી આંખ’ માં કેદ થઈ રહ્યા છે. નગરપાલિકાએ 14 જગ્યાએ સીસી ટીવી કેમેરા ફીટ કરી દીધા છે અને વધુ 22 જગ્યાએ સીસી ટીવી ફીટ કરવાની કાર્યવાહી આગળ ધપાવવામાં આવી છે ત્યારે શહેરને ખરા અર્થમાં સ્વચ્છ બનાવવા પાલિકાએ કમ્મર કસી હોય તેવું હવે લોકો અનુભવી રહ્યા છે.
4 જાન્યુઆરીથી સ્વચ્છતા સર્વેક્ષણ
પોરબંદર નગરપાલિકાના ચીફ ઓફિસર રુદ્રેશભાઈ હુદડે જણાવ્યું હતું કે આગામી તા. 4 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી દેશવ્યાપી સ્વચ્છતા સર્વેક્ષણ-2018 ની કામગીરી શરૂ થશે ત્યારે પોરબંદર પાલિકાએ પણ આ વખતે સ્વચ્છતાને લઈને કમ્મર કસી છે અને હાલમાં આ અંગે વિવિધ કામગીરી હાથ ધરી છે.
14 જગ્યાએ સીસી ટીવી કેમેરા ફીટ થયા
શહેરમાં વધુ ન્યુસન્સ હોય તેવી 36 જગ્યાએ સીસી ટીવી કેમેરા મૂકવાની કામગીરી ચાલી રહી છે. હાલમાં પાલિકા દ્વારા 14 સ્થળોએ કેમેરા મૂકવામાં આવ્યા છે જેમાં લીમડા ચોક શાકમાર્કેટ, નટવર ચોક શાકમાર્કેટનું પાર્કિંગ, સુતારવાડા, જુની કોર્ટ કમ્પાઉન્ડ, ગાયવાડી, બંગડી બજાર, ચોપાટી, જુની દીવાદાંડી રોડ, એમ.ઈ.એમ. સ્કૂલ પાસે સહિતના વિસ્તારોમાં સીસી ટીવી કેમેરા ફીટ થઈ ગયા છે. અને ત્યાં ગંદકી ફેલાવનારાઓ પાલિકાના સીસી ટીવી ફૂટેજમાં રેકોર્ડીંગ થઈ ગયા છે અને તેઓને 500 રૂપીયાનો દંડ ફટકારવાની કાર્યવાહી પણ હાથ ધરાઈ છે, જ્યારે જ્યારે બાકીના 22 કેમેરા અન્ય મહત્વની જગ્યાએ ફીટ કરવાની કામગીરી ચાલી રહી છે.
સ્વચ્છતા સર્વેક્ષણ પૂર્વે પાલિકાનું આગોતરું આયોજન
પોરબંદરમાં સ્વચ્છતા સર્વેક્ષણ પૂર્વે પાલિકાએ આગોતરું આયોજન કર્યું છે. પાલિકાએ આ સર્વેક્ષણ અગાઉથી જ કમ્મર કસી છે જે અંતર્ગત શહેરમાં જ્યાં જાહેરમાં સૌથી વધુ કચરો ફેંકવામાં આવે છે, ગંદકી અને એઠવાડ ફેંકવામાં આવે છે તેવી તથા અન્ય જાહેર જગ્યાઓની યાદી બનાવી હતી. જેમાં કુલ 36 જગ્યાઓની ઓળખ થઈ હતી. આ તમામ જગ્યાએ ગંદકી પર અંકુશ આવે તે માટે પાલિકાએ સીસી ટીવી કેમેરા ફીટ કરવાની કામગીરી હાથ ધરી છે જેમાં પાંચ લાખના ખર્ચે 14 જેટલા સીસી ટીવી કેમેરા પાલિકાએ વિવિધ જગ્યાએ ફીટ કરાવ્યા છે. બાકીના 22 કેમેરા માટે વિવિધ બેંક પાસે ડોનેશન લઈ અને તમામ જગ્યાએ કેમેરા ફીટ કરવામાં આવી રહ્યા છે.
પાલિકાની ઓફિસમાંથી મોનીટરીંગ
ચીફ ઓફિસર મોબાઈલથી તમામ કેમેરાનું મોનીટરીંગ કરે છે. શહેરમાં ફીટ કરાયેલ તમામ સીસીટીવી કેમેરાનું મોનીટરીંગ પાલિકા કચેરી ખાતે ચીફ ઓફીસર રુદ્રેશ હુદડની ચેમ્બર ખાતેથી તો કરવામાં જ આવે છે ઉપરાંત ચીફ ઓફિસર અન્ય જગ્યાએ મીટીંગ અથવા કોઈ કામઅર્થે બહાર ગયા હોય તો ત્યાં બેઠા પણ તમામ કેમેરાનું મોનીટરીંગ કરી શકે તે માટે પોતાના મોબાઈલમાં ખાસ સોફ્ટવેરનો ઉપયોગ કરે છે. આ સોફ્ટવેરમાં રેકોર્ડીંગ તથા ફોટોગ્રાફીની પણ સુવિધા છે જેથી તેનું રેકોર્ડીંગ નિહાળી અને તુરંત ગંદકી કરનારને શોધી અને 500 રૂપીયાનો દંડ ફટકારી શકાય.
સેનેટરી ઈન્સ્પેક્ટર અને સ્ટાફનું વોટ્સએપ ગૃપ બનાવાયું
કોઈપણ જગ્યાએ કચરો દેખાય એટલે વોટ્સએપ મારફત તાત્કાલીક સુચના શહેરના વિવિધ ન્યુસન્સ પોઈન્ટ પર કોઈ કચરો ફેંકે એટલે જે-તે વિસ્તારના સેનેટરી ઈન્સ્પેક્ટરને તાત્કાલીક સુચના આપવા માટે ચીફ ઓફિસર દ્વારા શહેરના તમામ સેનેટરી ઈન્સ્પેક્ટર સ્ટાફનું એક વોટ્સએપ ગૃપ બનાવ્યું છે જેથી જે-તે વિસ્તારની સફાઈ ફોટા અને વિડીયોગ્રાફી ગૃપમાં મૂકી અને તે સ્થળની તાત્કાલીક સફાઈ કરવા સૂચન આપી શકે તે પ્રકારનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
કેમેરા પાલિકાને જ નહીં..પોલીસને પણ ઉપયોગી !
પોરબંદરમાં નગરપાલિકાએ સીસી ટીવી કેમેરા ફીટ કર્યા છે તેનાથીપોલીસને પણ મદદ મળી રહેશે. શહેરમાં વિવિધ જગ્યાએ 36 જેટલા મહત્વના પોઈન્ટ પર કેમેરા મૂકવામાં આવતા પોલીસને પણ વિવિધ ગુન્હાઓના ભેદ ઉકેલવામાં સરળતા રહેશે. ખાસ કરીને બંગડીબજાર વિસ્તારમાં મહિલાઓની અવરજવર વધારે હોય ત્યાં ચીલઝડપ અને ચોરીના નાના-મોટા બનાવો અવારનવાર બનતા રહે છે જેના પર અંકુશ આવશે. એટલું જ નહીં, પરંતુ કોઈપણ જગ્યાએ ગુન્હો થયો હોય અને તેના આરોપીઓ શહેરના મુખ્ય 36 વિસ્તારમાંથી પસાર થાય તો તે પણ રેકોર્ડીંગ થઈ જતું હોવાથી આ કેમેરા માત્ર પાલિકાને જ નહીં, પરંતુ પોલીસને પણ ઉપયોગી સાબિત થશે. દેશવ્યાપી સ્વચ્છતા સર્વેક્ષણ શરૂ થાય તે પૂર્વે પાલિકાએ ગાંધીભૂમિમાં 14 જગ્યાએ સીસી ટીવી કેમેરા ફીટ કર્યા: વધુ 22 સ્થળોએ કેમેરા મુકવાની કાર્યવાહી હાથ ધરાઈ