રાહુલે ફરી કહ્યું: રાફેલ ડીલમાં ચોકીદાર ચોર છે જ

નવીદિલ્હી, તા.14
રાફેલ ડીલ પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યા પછી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે, આ મામલામાં મારા આરોપો ચાલું જ છે. રાહુલ ગાંધીએ નાણામંત્રી અરૂણ જેટલીની પ્રેસ કોન્ફરન્સ પછી પોતાની પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, મારું હજી પણ માનવું છે કે રાફેલ ડીલમાં ભ્રષ્ટાચાર થયો છે.
રાહુલે પીએમ મોદી પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, રાફેલ ડીલ મામલામાં જેપીસીની રચના કેમ કરવામાં આવી નથી. હિન્દુસ્તાન એરોનોરિક્સ લિમિટેડ પાસેથી કોન્ટ્રાક્ટ છીનવીને અનિલ અંબાણીનીને રાફેલ લડાકૂ વિમાનની જવાબદારી કેમ સોંપવામાં આવી ? સંસદમાં કેગનો કોઇ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો નથી. કેન્દ્ર સરકારે દેશની પ્રમુખ સંસ્થાઓની ઇજ્જત ઉડાવી દીધી છે.
તેમણે કહ્યું કે, વડાપ્રધાને પ્રેસ કોન્ફરન્સ કરી નથી, તેમણે અરૂણ જેટલી અને નિર્મલા સીતારમણને આગળ કરી દીધા છે. રાહુલે ત્યારબાદ ફરીથી કહ્યું કે, આખું હિન્દુસ્તાન જાણે છે કે ચોકીદાર ચોર છે, હિન્દુસ્તાનના પીએમ અનિલ અંબાણીના મિત્ર છે અને તેમણે ચોરી કરાવડાવી છે.