રાફેલ મામલે કોંગ્રેસ પર ભાજપની ‘સર્જિકલ સ્ટ્રાઈક’

  • રાફેલ મામલે કોંગ્રેસ પર ભાજપની ‘સર્જિકલ સ્ટ્રાઈક’
    રાફેલ મામલે કોંગ્રેસ પર ભાજપની ‘સર્જિકલ સ્ટ્રાઈક’

નવીદિલ્હી, તા.14
5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં લાગેલા આંચકા બાદ હવે રાફેલ ડીલ પર સુપ્રીમ કોર્ટના ચુકાદાથી ભાજપને નવી ઉર્જા મળી છે. કોંગ્રેસે આ ચૂંટણીમાં રાફેલ ડીલમાં કથિત ભ્રષ્ટાચારને મુદ્દો બનાવ્યો હતો પરંતુ ક્લીન ચીટ મળ્યા બાદ હવે મોદી સરકાર અને ભાજપ સક્રિય બની છે. આ મામલે હવે આખી સ્થિતિ જ પલટાઈ ગઈ છે. રાફેલ મામલે સદનના બંન્ને ગૃહમાં હોબાળો મચી જતા આજની કાર્યવાહી ખોરંભાઈ હતી.
અત્યાર સુધી રાફેલ મામલે બચાવની સ્થિતિમાં રહેલી ભાજપ હવે આક્રમક બની છે. આજે લોકસભામાં રાફેલ પર જોરદાર હોબાળો મચી જવા પામ્યો અને કોંગ્રેસ વિરૂદ્ધ ગૃહમંત્રી રાજનાથ સિંહે પોતે જ મોરચો સંભાળ્યો. તેમણે કહ્યું છે કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાફેલ મામલે સદનમાં આવીને માફી માંગવી જોઈએ. રસસ્પદ વાત એ છે કે, હજી ગઈ કાલ સુધી રાફેલ મુદ્દાને લઈને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરી રહેલી કોંગ્રેસ આજે મૌન છે.
રાફેલ ડીલ પર સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની બેંચના નિર્ણયનો હવાલો અપાતા ગૃહમંત્રી રાજનાથ સિંહે લોકસભામાં કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતાં. તેમણે કહ્યું હતું કે, રાજકીય લાભ માટે સરકારને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. કોંગ્રેસની મંશા હતી કે, હમ તો ડૂબે સનમ, તુમકો ભી લે ડૂબેંગે. દરમિયાન આ મામલે હોબાળો થતા સંસદની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી.
રાજનાથ સિંહે સંસદમાં ગરજતા કહ્યું હતું કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દેશ અને સદનની માફી માંગવી જોઈએ. તેમણે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતની છબી ખરડવાનો પ્રયાસ કર્યો છે.
રાફેલ યુદ્ધ વિમાન ડીલ પર કથિત કૌભાંડના આરોપ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી મોદી સરકારની ક્લિનચીટ મળ્યા બાદ ભાજપ કોંગ્રેસ પર આક્રમક બની છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહે કહ્યું છે કે, રાફેલ ડીલ મામલે સુપ્રીમ કોર્ટના નિર્ણયથી સત્યની જીત થઈ છે. રાહુલ ગાંધીએ હવે દેશ સમક્ષ પુરાવા રજુ કરવ જોઈએ જેના આધારે તેઓ સરકાર પર આરોપ લગાવતા હતાં.
ભાજપ અધ્યક્ષ અમિત શાહે કહ્યુ કે, અમે કોર્ટના ચુકાદાનું સ્વાગત કરીએ છીએ. કોર્ટના ચુકાદાથી સત્યની જીત થઈ છે. રાહુલ ગાંધી ક્યા આધારે આક્ષેપો લગાવ્યા હતા તે પુરાવા હવે તેઓ દેશ સમક્ષ રજૂ કરે. એટલું જ નહીં વર્ષ 2007થી 2014 સુધી કોંગ્રેસ પાર્ટી ક્યાં હતી? આ ચુકાદો રાફેલ અંગે સવાલો ઉઠાવી રહેલા લોકોને એક તમાચા સમાન છે.
રાફેલ ડીલના મામલે સુપ્રીમના ચુકાદા પછી અનિલ અંબાણીએ સુપ્રીમ કોર્ટની સરાહના કરતાં તેમના વલણને આવકાર્યું હતું.. તેમણે કહ્યું હતું કે રિલાયન્સ ગ્રુપ અને મારી વિરુદ્ધ જે પણ આરોપો લગાવવામાં આવ્યા હતા, તે આધારહીન હતા અને રાજનીતિથી પ્રેરિત હતા. આ મામલે સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સ્વાગત કરું છું.
અનિલ અંબાણીએ કહ્યું કે અમે રાષ્ટ્રની સુરક્ષા માટે પૂરી રીતે પ્રતિબદ્ધ છીએ. સરકારની યોજનાઓમાં મેક ઈન ઈન્ડિયા અને સ્કીલ ઈન્ડિયા માટે અમારું પૂરતું યોગદાન રહેશે. સાથે જ અમે ફ્રાન્સના મહત્વપૂર્ણ કરાર દ સોલ્ટ એવિયેશનનું પણ પૂરતું સન્માન કરીએ છીએ.
સુપ્રીમ કોર્ટ દ્વારા રાફેલ ડીલ અંગેની અપીલને ફગાવી દેવાયા બાદ આજે ભાજપ દ્વારા વારંવાર પત્રકાર પરિષદમાં ખુલાસા રજૂ કરાવામાં આવી રહ્યા છે. આ સંદર્ભમાં અરૂણ જેટલીએ કોંગ્રેસ પણ પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું કે, સમગ્ર વિશ્વમાં લોકશાહી પરંપરામાં જ્યારે પણ કોઈ નેતા જ્યારે જૂઠમાં પકડાઈ જાય છે ત્યારે તે રાજીનામું આપતો હોય છે અથવા તો તેના ઉપર ઈમ્પીચમેન્ટની પ્રક્રિયા હાથ ધરાતી હોય છે.
ભારત દેશમાં આઝાદી બાદથી લોકશાહી અમલમાં છે. જો કોઈ નેતાની ગુણવત્તા સામે સવાલ ઉભો થાય તો તેઓ રાજીનામું આપતા હોય છે. મોટાભાગના દેશમાં ઈમ્પિચમેન્ટની પરંપરા પણ છે. કોંગ્રેસ શા માટે ઈમ્પીચમેન્ટ લાવતું નથી. રાફેલ વિમાન બનાવતી કંપનીની વિશ્વમાં શાખ છે અને તેમાં કશું જ ખોટું થયું નથી.