કુછડી ગામે ફેઈઝ-ટુ બંદરના વિરોધમાં શુક્રવારે અડધો દિવસ માછીમારી ધંધા બંધ રહેશે

પોરબંદર,તા.10
પોરબંદરના કુછડી ગામે ફેઈઝ-2 બંદર બનાવવા સામે ખારવાસમાજ તેમજ માછીમાર બોટ એસો. સહિતના એસો. અને માછીમારોને વિરોધ હોવાથી અનેક વખત મીટીંગ, ચર્ચાઓ અને આવેદન આપવામાં આવ્યા છે. આમ છતાં સમસ્ત ખારવાસમાજના વ્યાપક વિરોધ અંગે કોઈપણ પ્રકારના પ્રત્યાઘાત સરકાર દ્વારા અપાતા નહીં હોવાથી વધુ આંદોલનો હાથ ધરવાનું સમસ્ત ખારવાસમાજે નક્કી કર્યું હોય એ પ્રકારે હવે આગામી તા. 14/12 ના શુક્રવારના રોજ ખારવાસમાજના વાણોટ પ્રેમજીભાઈ ખુદાઈ અને માછીમાર બોટ એસો. ના પ્રમુખ જાદવજીભાઈ પોસ્તરીયાની આગેવાનીમાં નક્કી થયા મુજબ અડધો દિવસ વેપારધંધા બંધ રાખીને રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.
ફેઈઝ-ટુ બંદરનો વિરોધ ખારવાસમાજમાં હોવાથી રવિવારે મઢી ખાતે યોજાયેલી મીટીંગ બાદ વાણોટ પ્રેમજીભાઈ ખુદાઈ અને માછીમાર બોટ એસો. ના પ્રમુખ જાદવજીભાઈ પોસ્તરીયા દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે નવું બંદર માપલાવારી, લકડી બંદર વિસ્તારમાં બનવું જોઈએ અને તેથી આગામી તા. 14 ના શુક્રવારે તમામ માછીમારી ધંધા સાથે સંકળાયેલા લોકો કામધંધા બંધ રાખીને રેલીમાં સવારે 10 કલાકે જોડાશે. આ રેલી પંચાયત મંદિર-મઢી, પાલાનો ચોક થી શરૂ થઈને શહીદ ચોક, શિતલા ચોક, માણેક ચોક, સુદામા ચોક થઈને કમલાબાગ સુધી જશે અને ત્યારબાદ આગેવાનો કલેક્ટરને આવેદન આપવા જશે તેવું જણાવાયું છે.