પાકિસ્તાન સામે વટભેર લડનાર શહિદ નાગાર્જુન સિસોદિયાની 47 મી પુણ્યતિથિ ગુરૂવારે ઉજવાશે

  • પાકિસ્તાન સામે વટભેર લડનાર શહિદ નાગાર્જુન સિસોદિયાની 47 મી પુણ્યતિથિ ગુરૂવારે ઉજવાશે
    પાકિસ્તાન સામે વટભેર લડનાર શહિદ નાગાર્જુન સિસોદિયાની 47 મી પુણ્યતિથિ ગુરૂવારે ઉજવાશે

પોરબંદર,તા.10
પાકિસ્તાન સામે વટભેર લડનાર શહિદ નાગાર્જુન સિસોદિયાની ગુરૂવારે 47 મી પુણ્યતિથિ નિમીતે ખાસ શ્રદ્ધાંજલી સમારોહનું આયોજન થયું છે. જેમાં રાષ્ટ્રીય સંત પૂ. ધર્મબંધુજી મહારાજ (પ્રાંસલા) સાંજે 4:15 વાગ્યે એસ.ટી. ડેપો સામે આવેલ નાગાર્જુન સિસોદિયા સ્મારક સ્થળે ઉપસ્થિત રહીને શહિદ વિર નાગાર્જુન સિસોદિયાની રાષ્ટ્ર પ્રત્યેની ફરજ અને શહિદી અંગે તેમજ સાંપ્રત સમયમાં યુવાનોને દેશસેવા માટે પ્રોત્સાહન કરતું વ્યાખ્યાન આપશે. આ સમારંભમાં સૌ કોઈને ઉપસ્થિત રહેવાની યાદી ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી રામદેવભાઈ મોઢવાડીયા તેમજ ટ્રસ્ટી દેવશીભાઈ કરશનભાઈ સિસોદિયાએ પાઠવી છે.
જન્મ અને બાળપણ
મુળ પોરબંદર પંથકના મોઢવાડા ગામના વતની અને કેન્યાના નાઈરોબી ખાતે વસવાટ કરતા કરશનભાઈ સિસોદિયા અને રૂડીબેનના ઘરે નાગાર્જુન સિસોદિયાનો જન્મ 6 જુન 1950 ના રોજ થયો હતો. બાળપણથી જ સાહસવૃતિ ધરાવતા નાગાર્જુન સિસોદિયાનું બાળપણ કેન્યાના નાઈરોબીમાં વિત્યું હતું.
રાજકુમાર કોલેજ, રાજકોટમાં અભ્યાસ
અભ્યાસ પ્રત્યે લગન અને રૂચી ધરાવતા નાગાર્જુન સિસોદિયાને પોરબંદરની ખ્યાતનામ શૈક્ષણિક સંસ્થા રાજકુમાર કોલેજ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. રાજકુમાર કોલેજ ખાતે જુદી જુદી સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને વિવિધ રમતોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર નાગાર્જુન સિસોદિયાએ રાજકુમાર કોલેજ, રાજકોટ ખાતેના અભ્યાસ દરમિયાન કેટલાય પુરસ્કારો પ્રાપ્ત કર્યા હતા.
નેશનલ ડિફેન્સ એકેડમી : પુનેમાં પ્રવેશ
બાળપણથી જ દિલમાં રહેલી દેશદાઝને પાંખો આપવા માટે નાગાર્જુન સિસોદિયાએ સૈન્ય સ્કૂલમાં પ્રવેશ મેળવવા પ્રવેશ પરીક્ષા પાસ કરીને પુના ખાતે આવેલી સૈનિક સ્કૂલ નેશનલ ડિફેન્સ એકેડમી-પુનામાં પ્રવેશ મેળવીને સૈન્યની ખુબ જ કઠિન કહી શકાય તેવી તાલીમ પ્રાપ્ત કરી હતી. જે સમયે નાગાર્જુન સિસોદિયાએ નેશનલ ડિફેન્સ એેકેડમી-પુના ખાતે જે પ્રવેશ પરીક્ષા આપી હતી તે પરીક્ષા આપી હતી તે પરીક્ષા યુ.પી.એસ.સી. કક્ષાની હતી. જે પરીક્ષા ભાગ્યે જ કોઈ પાસ કરી શકતું હતું. અભ્યાસમાં ખુબ જ તેજસ્વી એવા નાગાર્જુન સિસોદિયાએ સફળતાપૂર્વક નેશનલ ડિફેન્સ એકેડમીની તાલીમ પ્રાપ્ત કરી હતી. સાથે-સાથે દહેરાદુન ખાતે આવેલ આર્મી મિલિટરી એકેડમી ઉત્તર પ્રદેશ ખાતે પણ ખુબ જ કઠિન કહી શકાય તેવી તાલીમ અને ઈન્ડિયન આર્મીનો અભ્યાસ કર્યો હતો.
સેક્ધડ લેફ્ટનન્ટ તરીકે ગુરખા રેજીમેન્ટમાં ભરતી
નેશનલ ડિફેન્સ એેકેડમી, પુને અને દહેરાદુન ખાતે આવેલ આર્મી મિલિટરી એકેડમી ખાતે અભ્યાસ અને તાલીમ પ્રાપ્ત કરવાની સાથે સાથે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર તેજસ્વી યુવાન નાગાર્જુન સિસોદિયાની ઈન્ડિયન આર્મીની ગુરખા રેજીમેન્ટમાં નિયુક્તિ મળી હતી. નેશનલ ડિફેન્સ એકેડમીમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી સાથે માત્ર 21 વર્ષી યુવાન વયે ભારતીય સૈન્યમાં ઓફિસર તરીકે ક્લાસ વનની પદવી સાથે નિયુક્ત થનાર નાગાર્જુન સિસોદિયાને કાશ્મીરના છામ્બ મોરચે પોસ્ટીંગ મળ્યું હતું.
1971 માં ખેલાયેલું ભારત-પાકિસ્તાનનું ભીષણ યુદ્ધ
ભારત-પાકિસ્તાન વચ્ચે 1971 માં ભીષણ યુદ્ધ ખેલાયું હતું. તે સમયે પોરબંદર વિસ્તારના પનોતા પુત્ર નાગાર્જુન સિસોદિયાએ સેક્ધડ લેફ્ટનન્ટ તરીકે ઈન્ડિયન આર્મીની ગુરખા રેજીમેન્ટ શાખામાં બહાદુરીપૂર્વક ફરજ બજાવીને દુશ્મન દેશ પાકિસ્તાનના દાંત ખાટા કરી નાખ્યા હતા. કાશ્મીરને ભારતથી અલગ કરી દેવાની મેલી મુરાદને નાકામ બનાવી દેનાર ઈન્ડિયન આર્મીના આ બહાદુર જવાને કશ્મીરની ખુબ જ સંવેદનશીલ એવી છામ્બ સરહદ ખાતે લડત આપી હતી.
13 ડિસેમ્બર 1971 ના રોજ શહાદત
1971 માં ભારત-પાકિસ્તાન વચ્ચે ખેલાયેલા ભીષણ યુદ્ધમાં કશ્મીરના સંવેદનશીલ એવા છાંમ્બ મોરચે ઈન્ડિયન આર્મીની ખુબ જ મહત્વપૂર્ણ એવી ગુરખા રેજીમેન્ટમાં સેક્ધડ લેફ્ટનન્ટ તરીકે ફરજ બજાવતા વિર નાગાર્જુન સિસોદિયાએ દુશ્મન દેશ પાકિસ્તાન સામે લડતાં લડતાં બહાદુરીપૂર્વક 13 ડિસેમ્બર 1971 ના રોજ મા ભોમની રક્ષા કાજે શહાદત વહોરી હતી.
નાગાર્જુન સિસોદિયા સ્મારક ટ્રસ્ટની સ્થાપના
શહિદ નાગાર્જુન સિસોદીયાની મહામુલી શહાદતને વંદન કરવા અને તેમની સ્મૃતિઓને જીવંત રાખવા માટે શહિદ વિર નાગાર્જુન સિસોદિયા સ્મારક ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી હતી. જેમના દ્વારા દર વર્ષે શહિદની પાવન સ્મૃતિમાં નિર્માણ પામેલા શહિદ નાગાર્જુન સિસોદિયા સ્મારક ખાતે પુણ્યતિથિ સમારોહનું આયોજન કરવામાં આવે છે. જેમાં દર વર્ષે જુદા-જુદા ક્ષેત્રના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહીને વક્તવ્ય આપે છે. દર વર્ષે શહિદ નાગાર્જુન સિસોદિયાની પુણ્યતિથિ પર યોજાતા પુણ્યતિથિ સમારોહમાં અત્યારસુધીમાં જુદા-જુદા ક્ષેત્રના મહાનુભાવો જેવા કે મુંબઈના ભુતપૂર્વ મ્યુનિસિપલ કમિશ્ર્નર ગોવિંદ રાઘો ખૈરનાર, ભારતીય સૈન્યમાં ભારતીય સૈન્યના વડા તરીકે ફરજ બજાવનાર અને 1971 ના યુદ્ધ વખતે પાકિસ્તાનના 90 હજાર યુદ્ધ કેદીઓ અને પાકિસ્તાનના સેનાપતિ જનરલ નિયાજીએ જેમની પાસે શરણાગતિ સ્વીકારી હતી તે બહાદુર યૌદ્ધા જનરલ જગજીતસિંહ અરૌરા, આચાર્ય ઘનશ્યામજી મહારાજ, દ્વારકા શારદાપીઠના દંડી સ્વામીશ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ, ભારતના બંધારણીય નિષ્ણાંત ડો. સુભાષ કશ્યપ, રાષ્ટ્રીય સંત અને પ્રખર વક્તા એવા સ્વામી ધર્મબંધુજી મહારાજ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી ચુક્યા છે, તેમ રામદેવભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું.