હનુમાનજીને દલિત કહેવા તેમનું અપમાન છે: શંકરાચાર્ય

  • હનુમાનજીને દલિત કહેવા તેમનું અપમાન છે: શંકરાચાર્ય
    હનુમાનજીને દલિત કહેવા તેમનું અપમાન છે: શંકરાચાર્ય

જબલપુર, તા.1
ભગવાન હનુમાનજીની જાતી વિશે થઈ રહેલા નિવેદનો વચ્ચે હવે શંકરાચાર્ય સ્વામી સ્વરુપાનંદ સરસ્વતીએ પણ તેમને બ્રાહ્મણ ગણાવ્યા છે. તેમણે કહ્યું છે કે, તુલસીદાસજીએ હનુમાનજી વિશે લખ્યું છે કે, કાંધે મુજ જનેઉ સાજે, તેનો સીધો અર્થ થાય છે કે, તેઓ બ્રાહ્મણ હતા. દલિત નહીં.
સ્વામી સ્વરૂપાનંદે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા હનુમાનને દલિત ગણાવતા તે નિવેદનની નિંદા કરી હતી. તેમણે કહ્યું હતું કે, ત્રેતા યુગમાં દલિત શબ્દ હતો જ નહીં. સૌથી પહેલા ગાંધીએ વંચિત વર્ગને હરિજન કહીને બોલાવ્યા હતા. ત્યારપછી માયાવતીએ દલિત શબ્દનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું હતું.
સ્વામી સ્વરુપાનંદે જબલપુરમાં પત્રકારોને કહ્યું કે, રામમંદિરના નિર્માણ વિશે સંસદે એક પ્રસ્તાવ બનાવીને સુપ્રીમ કોર્ટની સામે રજૂ કરવો જોઈએ. જેનાથી આ કામમાં આવી રહેલી મુશ્કેલીઓનો અંત લાવી શકાય. પરંતુ ભાજપ આવું ન કરીને માત્ર મંદિરની વાતો કરીને જનતાને ભ્રમિત કરી રહી છે. એટલે સુધીકે અધ્યાદેશ લાવવાની પાયાવિહોણી વાત પણ સમયાંતરે સામે આવતી રહેતી હોય છે. જ્યારે રામમંદિર મુદ્દે અધ્યાદેશ કોઈ પણ દ્રષ્ટીએ પ્રાસંગિક નથી. આવું એટલા માટે કારણ કે રામલલ્લા માટે પહેલેથી જ 67 એકર જમીન અધિગ્રહિત કરી લેવામાં આવી છે.
સ્વામી સ્વરૂપાનંદે એટલે સુધી કહ્યું કે, જે માળખાને બાબરી મસ્જિદ કહીને પાડી દેવામાં આવી છે તે બાબરી મસ્જિદ હતી જ નહીં. એવું એટલા માટે કારણકે ઘ્વસ્ત નિર્માણમાં મંગળકળશ અને હનુમાનજીની મૂર્તિ સહિત અન્ય ઘણાં પુરાવા મળ્યા છે. જે ત્યાં પહેલેથી જ હિન્દુ ધર્મસ્થળ હોવાનું પ્રમાણ આપી રહ્યા છે. તેમ છતાં ભાજપ-આરએસએસ સહિત તેમની સાથે જોડાયેલા હિન્દુ સંગઠનોએ રાજકીય લાભ લેવા બાબરીના નામનો હોબાળો મચાવ્યો છે. સાચી વાત તો એ છે કે, અયોધ્યામાં ક્યારેય બાબર પહોંચ્યો જ નહતો તો પછી ત્યાં બાબરી મસ્જિદ કેવી રીતે બની ગઈ?