આરટીઈમાં શાળાઓને 13500 ચૂકવવાના ઠરાવને રદ કરતી હાઈકોર્ટ

  • આરટીઈમાં શાળાઓને 13500 ચૂકવવાના ઠરાવને રદ કરતી હાઈકોર્ટ
    આરટીઈમાં શાળાઓને 13500 ચૂકવવાના ઠરાવને રદ કરતી હાઈકોર્ટ

ચૂકાદાથી ગુજરાત સરકાર ઉપર વધારાનો 250 કરોડનો બોજ રાજકોટ તા,18
રાજ્યની બિન અનુદાનિત- ખાનગી સ્કૂલો રાઈટ ટુ એજ્યુકેશન કાયદાની જોગવાઈ અન્વયે જે વિદ્યાર્થીઓને પ્રવેશ આપે તે વિદ્યાર્થી દીઠ હાલ સરકાર દ્વારા રૂ. 13,500 ચૂકવવાનો ઠરાવ કરવામાં આવ્યો છે તે બુધવારે ગુજરાત હાઈકોર્ટે રદ કર્યો હતો. કોર્ટે ઠેરવ્યું કે, આ કાયદા હેઠળ ગરીબ વિદ્યાર્થીઓને મળેલા પ્રવેશ અન્વયે સ્કૂલોને જે વાસ્તવિક ખર્ચ થાય છે તે સરકાર દ્વારા ચૂકવાતી રકમ કરતાં વધુ હોવાથી તે અયોગ્ય હોવાની દલીલ સાથે સ્કૂલ સંચાલકોના એસોસિયેશને હાઈકોર્ટમાં પિટિશન કરી હતી. જેમાં કોર્ટે નોંધ્યું હતું કે, આરટીઇ એક્ટની જોગવાઇ હેઠળ સરકાર આ પ્રકારની કોઇ રકમ ફીક્સ કરી શકે નહીં.
હાઇકોર્ટે સ્પષ્ટતા કરી છે કે, બિન અનુદાનિત શાળાઓ કે તેઓ અન્ય વિદ્યાર્થી પાછળ જે ખર્ચ કરે છે અથવા તો સરકાર પ્રતિ વિદ્યાર્થી જે ખર્ચ કરે છે તેમાંથી જે ઓછું હોય તે પ્રતિ વિદ્યાર્થી ચૂકવણી પ્રાપ્ત કરવા હક્કદાર છે. વિદ્યાર્થી દીઠ ચૂકવણી કરવાની પધ્ધતિ કે પ્રકાર સરકાર નિયત કરી શકે નહીં.
ગુજરાતમાં આરટીઇ હેઠળ 1 લાખ જેટલાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે. જે પેટે વિદ્યાર્થી દીઠ સરકાર તરફથી ખાનગી શાળાઓને 13પ કરોડ ચૂકવાય છે. તેની સામે હાલ સરકારી શાળાઓમાં વિદ્યાર્થી દીઠ વર્ષે રૂ.35 હજાર ખર્ચ થાય છે. જેમાં રૂ.10 હજાર શાળાને ચૂકવાય છે. જ્યારે રૂ.3,500 વાલીને ચૂકવાય છે. 
હાઇકોર્ટના હુક્મ પ્રમાણે સરકારી શાળાને ચૂકવાતી રકમ જેટલી જ રકમ ખાનગી શાળાને ચૂકવવાના આદેશનો સરકાર સ્વીકાર કરે તો સરકારને આરટીઈના એક લાખ એડમિશન લેખે વર્ષે દહાડે આશરે 350 કરોડ ચૂકવવાના થાય. તેમાંથી વાલીઓને ચૂકવવાની 100 કરોડની રકમ બાદ કરવામાં આવે તો સરકાર પર 250 કરોડનો વધારાનો બોજો પડી શકે છે તેમ સૂત્રોએ જણાવ્યું છે.