પાટીદારો, રાજપૂતો પછી બ્રાહ્મણોની અનામત માંગ

અમદાવાદ, તા.30
મહારાષ્ટ્ર સરકારે મરાઠાઓને 16 ટકા અનામત આપવાનો ઠરાવ પસાર થયા બાદ હવે મુસ્લિમોએ અનામત માટેની માંગણી બુલંદ કરી છે. બીજી તરફ ગુજરાતમાં પાટીદારો બાદ હવે રાજપૂત અને બ્રાહ્મણ સમુદાયના નેતાઓએ અનામત માંગી છે. મહારાષ્ટ્રની ભાજપ સરકારે લોકસભાની ચૂંટણી જીતવાની લ્હાયમાં સૂતેલા અનામતરૂપી જીનને જગાડ્યો છે. હવે સમાજો વચ્ચે વિખવાદ થાય તેવી સંભાવના છે. દરેક સમાજને અનામત જોઈએ છે. કાયદામાં 50 ટકા અનામત સુધીની જોગવાઈ છે. સરકાર ચૂંટણીની લ્હાયમાં દેશ સાથે રમત રમી રહી છે.
રાજપૂત સમુદાયનુ કહેવુ છે કે અમારી વસ્તી ગુજરાતમાં 8 ટકા છે. અમને 8 ટકા અનામત આપવામાં આવે. બીજી તરફ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજે પણ ઓબીસી કમિશનને પત્ર લખીને બ્રાહ્મણોને અનામત આપવા માટે સર્વે કરવાની માંગ કરી છે. કારણકે ગુજરાતમાં બ્રાહ્ણણોની સંખ્યા 60 લાખ છે અને તેઓ જન સંખ્યાના 9.5 ટકા વસ્તી ધરાવે છે. 60માંથી 42 લાખ બ્રાહ્ણણો આર્થિક રીતે કમજોર હોવાનો સંગઠનનો દાવો છે.
રાજપૂત સમાજ પણ ઓબીસી કમિશનને મળ્યો છે. જેના પ્રતિનિધિઓનુ કહેવુ છે કે રાજપૂતોને નોકરી અને શિક્ષણમાં સમાન તકો મળી રહી નથી. સંવિધાનમાં લખ્યુ નથી કે માત્ર 50 ટકા જ આરક્ષણ મળવું જોઈએ. બીજી તરફ એઆઈએમઆઈએમના અસદુદ્દીન ઓવૈસીએ મુસ્લિમો માટે અનામતની માંગણી કરીને કહ્યુ છે કે મુસ્લિમો સદીઓથી ગરીબીમાં જીવી રહ્યા છે.મુસ્લિમોને પછાત રાખવા તેમની સાથે ગંભીર અન્યાય છે.