માસિયાઇ ભાઇએ લગ્નનું આમંત્રણ નહીં આપતા યુવાનનો આપઘાત

  • માસિયાઇ ભાઇએ લગ્નનું આમંત્રણ નહીં આપતા યુવાનનો આપઘાત
    માસિયાઇ ભાઇએ લગ્નનું આમંત્રણ નહીં આપતા યુવાનનો આપઘાત

ખંભાળીયા તા.18
ખંભાળીયા નજીક આવેલા સુરજકરાડી ગામે રહેતા યુવાને આજે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આપઘાત પાછળનું કારણ એવું જાહેર થયું હતું કે યુવાનનાં માસિયાઇ ભાઇનાં ટુંક સમયમાં લગ્ન છે અને આ લગ્નમાં તેમને આમંત્રણ નહીં મળતા યુવાનને મનમાં લાગી આવતા જીવાદોરી ટુંકાવી લીધી હતી.
ઓખામંડળના મીઠાપુર તાબેના સુરજકરાડી ગામે રહેતા અશોકભાઇ રામભાઇ માતંગ નામના 32 વર્ષના યુવાનને તેના માસાના દીકરાના લગ્નમાં આમંત્રણ ન મળતા આ બાબતે તેને મનમાં લાગી આવતાં તેણે પોતાના ઘરે પોતાના હાથે પંખામાં ઓઢણી વડે ગળાફાંસો ખાઇ લેતાં તેમને મીઠાપુરની ટાટા હોસ્પીટલમાં ખસેડવામાં આવેલ. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. આ બનાવની જાણ મૃતકના પત્ની નિલમબેન અશોકભાઇ માડમે મીઠાપુર પોલીસને કરી છે.
મારી નાખવાની ધમકી
ખંભાળીયાના સંજયનગર-હર્ષદપુર વિસ્તારમાં રહેતા દેવદાસભાઇ માણસુરભાઇ સંધીયા (ઉ.વ.48) તેમના પત્નીને તેડવા જતાં આરોપી થારીયા લખુભાઇ ભાન (રહે.ખજુરીયા)એ ઉશ્કેરાઇને તેમને બીભત્સ ગાળો કાઢી, લાકડાના ધોકા વડે બેફામ માર માર્યાની અને જાનથી મારી નાખવાની ધમકી આપતાં આ અંગે ખંભાળીયા પોલીસે આઇપીસી કલમ 323, 324, 325, 504, 506(2) તથા જીપીએકટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
બે બાઇક વચ્ચે 
ટક્કરમાં યુવાન ઘવાયો
કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામે રહેતો રોહિત રાજશીભાઇ ગોજીયા નામનો 21 વર્ષનો આહિર યુવાન તેના જીજે17બીડી-4143 નંબરના મોટરસાયકલ પર બેસીને લીંબડીથી નંદાણા ગામ તરફ જઇ રહ્યો હતો ત્યારે આ માર્ગ પરથી પુરઝડપે અને બેફીકરાઇપૂર્વક જઇ રહેલા એક અજાણ્યા મોટરસાઇકલના ચાલકે રોહીતના મોટરસાયકલને ઠોકર મારતા ફ્રેકચર સહિતની ઇજાઓ થવા પામી હતી. અકસ્માત સર્જી આરોપી અજાણ્યો બાઇકચાલક નાસી જતા કલ્યાણપુર પોલીસે ગુનો નોંધી, ધોરણસર તપાસ હાથ ધરી છે.