ગુજરાતમાં સરકારી નોકરી માટે પડાપડી: 12,000 જગ્યા માટે 38 લાખ અરજદારો

ગાંધીનગર તા.29
ગુજરાત સૌથી વધુ રોજગારી આપનારું રાજય હોવાનો દાવો થાય છે, પરંતુ હકીકત કંઇક અલગ હોય તેમ લાગી રહ્યું છે. હાલ સરકારના વિવિધ વિભાગોમાં 12 હજાર જેટલી જગ્યાઓ પર ભરતી નીકળી છે, જેના માટે 38 લાખ લોકોએ અરજી કરી છે. જેમાંથી 19 લાખ અરજીઓ તો માત્ર તલાટીની 1800 જગ્યાઓ માટે મળી છે.
આ આ:કડાની દ્રષ્ટિએ જોવા જઇએ તો, તલાટીની 1 જગ્યા માટે 1,055 ઉમેદવારો મેદવામાં છે. જયારે, ફોરેસ્ટ બીટ ગાર્ડની 334 જગ્યાઓ માટે 4.84 લાખ લોકોએ અરજી કરી છે. મતલબ કે, ફોરેસ્ટ ગાર્ડની 1 જગ્યા માટે 1449 ઉમેદવારો વચ્ચે સ્પર્ધા થશે. જો કે પોલીસ કોન્સ્ટેબલની નોકરી માટે આ વખતે સ્પર્ધા થોડી ઘટી છે.
હાલમાં કોન્સ્ટેબલની 9,713 જગ્યાઓ બહાર પડી છે, જેના માટે 8.76 લાખ અરજીઓ મળી છે. હાલમાં ચાલી રહેલી ભરતી પ્રક્રિયામાં પણ મુખ્ય સેવિકા, નાયબ ચિટનિસ, સંશોધન અધિકારી જેવી નીચલી કક્ષાની પંચાયતની નોકરીઓ માટે પણ લાખોની સંખ્યામાં અરજીઓ આવી હતી.
શ્રમ મંત્રી દિલીપ ઠાકોરનું કહેવું છે કે એક જ વ્યકિતએ અલગ-અલગ નોકરીઓ માટે અરજી કરી હોવાથી કુલ અરજીનો આંકડો ઘણો મોટો છે. વધુ અરજીનો અર્થ એવો ન કાઢી શકાય કે ગુજરાતમાં બેરોજગારી વધી છે. અરજી કરનારા પ્રાઇવેટ કે સરકારી નોકરી કરતા હોય, અને સારા ઓપ્શન માટે તેમણે આ નોકરીઓ માટે પણ અરજી કરી હોય તેવી પણ શકયતા નકારી ન શકાય.
આ અંગે શિક્ષણશાસ્ત્રી અને સમાજશાસ્ત્રી એવા ગૌરાંગ જાનીનું કહેવું છે કે છેલ્લા બે દાયકાથી સરકારમાં કોઇ ભરતી નહોતી થઇ. છેલ્લા કેટલાક વર્ષોથી મંદી, પ્રાઇવેટ સેકટરમાં નોકરીની ઓછી તકોને કારણે સરકારી નોકરીઓ માટે યુવાનોનો ભરપુર ઘસારો જોવા મળી રહ્યો છે. વળી, પ્રાઇવેટમાં કોન્ટ્રાકટર સિસ્ટમ, જોબ સિકયોરિટી જેવા મુદ્દાને કારણે પણ લોકો સરકારી નોકરીને વધુ મહત્વ આપી રહ્યા છે.