રાજકોટમાં વાસ્તવમાં દારૂબંધી અમલી બની : દારૂનો દુકાળ

  • રાજકોટમાં વાસ્તવમાં દારૂબંધી અમલી બની : દારૂનો દુકાળ
    રાજકોટમાં વાસ્તવમાં દારૂબંધી અમલી બની : દારૂનો દુકાળ

રૂા.500માં મળતી બોટલ 
1500 દેતા પણ મળતી નથી !
 પ્યાસીઓમાં દેકારો બોલી ગયો : પરમીટધારકો માટે વાઇનશોપ પણ રીઝલ્ટ સુધી બંધ રાખવાનો રાજ્ય સરકારનો આદેશ
રાજકોટ તા.18
દેશભરમાં લોકસભાની ચૂંટણીમાં દારૂનું દુષણ ન ભળે તે માટે રાજકોટ પોલીસ દ્વારા પણ આગોતરુ આયોજન કરવામાં આવ્યું છે અને બુટલેગરો શહેરમાં વિદેશી દારૂનો જથ્થો ન ઘુસાડી શકે તે માટે પોલીસ કમિશ્નર દ્વારા કડક સુચના આપવામાં આવી છે. જેનું સંપૂર્ણપણે પાલન થઇ રહ્યું હોવાનું પ્રતીત થઇ રહ્યું છે.
પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે શહેરના તમામ પ્રવેશદ્વારો ઉપરાંત 106 થી વધુ ‘ચેકનાકા’ઓ શરૂ કરવામાં આવ્યા છે. જ્યાં દરેક વાહનોની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવે છે. શહેરના તમામ પ્રવેશદ્વારો અને 106 થી વધુ ‘ચેકનાકા’ઓ ખાતેથી પસાર થનાર વાહનચાલકોના વાહનોની ઝીણવટભરી તલાસી ઉપરાંત તેમના નામ-સરનામાની પણ ચકાસણી કરવામાં આવે છે.
શહેર પોલીસના કડક વલણના કારણે શહેરમાં લગભગ પ્રથમ વખત વાસ્તવમાં દારૂબંધી અમલી બનતા વિદેશી દારૂનો જાણે કે દુષ્કાળ હોય તેવી પરીસ્થિતિ સર્જાઇ છે! વિશ્ર્વસનીય સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ અગાઉ રૂા.500 માં આસાનીથી ઉપલબ્ધ થતી વિદેશી દારૂની બોટલ અત્યારે રૂા.1500 દેવા છતા પણ મળતી નથી. લોકસભાની ચૂંટણીના કારણે પોલીસના કડક વલણના કારણે વિદેશી દારૂના શોખીનો (પ્યાસીઓમાં) દેકારો બોલી ગયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણી અનુસંધાને પરમીટધારકો કે જેઓ વિદેશી દારૂ પીવાનો પરવાનો ધરાવે છે. તેઓને પણ લોકસભાની ચૂંટણીના પરીણામ સુધી વિદેશી દારૂ - બીયર ઉપલબ્ધ થશે નહીં. રાજ્ય સરકારની સુચનાના પગલે વાઇન શોપ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.
વિદેશી દારૂના અડ્ડા સમાન મનાતા કુખ્યાત વિસ્તારોમાં પોલીસ દ્વારા વારંવાર કોમ્બીંગ હાથ ધરવામાં આવતા મોટાભાગના બુટલેગરોએ છેલ્લા દોઢ-બે માસથી વિદેશી દારૂનો ‘વેપલો’ બંધ કરી દીધો હોવાનું કહેવાય છે. વાઇન શોપમાં પણ MRPમાં વિવાદને લઇને ‘માલ’ની સપ્લાય લગભગ ઠપ!
કાયદેસરના દારૂનું જ્યાંથી વેંચાણ કરવામાં આવે છે તે રાજકોટની ખ્યાતનામ હોટલોમાં પણ એમઆરપીના વિવાદને લઇને ‘માલ’ની સપ્લાય લગભગ ઠપ્પ થઇ જતા ‘શોખીનો’ને પોતાની મનગમતી બ્રાન્ડ ઉપલબ્ધ થતી નથી. રાજ્ય સરકાર અને ડીસ્ટીલરીઓ વચ્ચે ચાલી રહેલા વિવાદનો અંત કયારે આવશે તે અંગે વાઇનશોપના સંચાલકો પણ ચિંતિત છે. મોટાભાગની વાઇનશોપનો ધંધો હાલ ઠપ્પ જેવી સ્થિતિમાં હોય તેવું જાણવા મળ્યું છે.
લોકસભામાં આ વખતે દારૂનું ‘દુષણ’ નહીં ભળે !
સામાન્ય રીતે ચૂંટણીઓ વખતે કેટલાક રાજકીય પક્ષો દ્વારા પછાત વર્ગના લોકોને લોભાવવા માટે નાણા ઉપરાંત દારૂ સહિતની ચીજવસ્તુઓનો ઉપયોગ પણ કરવામાં આવતો હોય છે પરંતુ આ વખતે રાજકોટ શહેરમાં પોલીસ દ્વારા દારૂબંધીની ચુસ્ત અમલવારી શરૂ કરાવાતા આગામી લોકસભાની ચૂંટણીમાં દારૂનું ‘દુષણ’ નહીં ભળે તેવું સ્પષ્ટપણે માનવામાં આવી રહ્યું છે.