"આ હારના પ્રભાવથી જેવું રૂપ કરવાની ઈચ્છા થાય તેવું રૂપ મેળવી શકાય છે

  • "આ હારના પ્રભાવથી જેવું રૂપ કરવાની ઈચ્છા થાય તેવું રૂપ મેળવી શકાય છે

એક દિવસ શ્રીપાળ કુંવર રમવા માટે રાજવાટિકાએ જવા નીકળી પડયો. ત્યાં નગરની બહાર ઘણી ઋદ્વિ સહિત એક સાર્થ આવ્યો હતો તેને જોયો. સાર્થવાહને પૂછયું કે તમોએ મુસાફરીમાં કોઇ વિશેષ આશ્ર્ચર્ય જોયું છે?
ત્યારે સાર્થવાહે કહ્યું કે - મહારાજ! અમે એક આશ્ર્ચર્ય જોયું છે તે સાંભળો. અહીંથી ચારસો ગાઉ દૂર એક કુંડલપુર નામનું નગર છે. તે નગરમાં મકરકેતુ નામનો રાજા છે. તેને કપૂરતિલકા નામની રાણી છે, તેઓને બે પુત્રો ઉપર એક ગુણવાન પુત્રી થઇ છે. તે પુત્રીનું ગુણસુંદરી નામ છે. તે રૂપમાં અપ્સરા જેવી છે. તેણીએ એક શ્રેષ્ઠ પ્રતિજ્ઞા કરી છે કે જે મને વીણાના વાદમાં જીતશે તે જ મારો સ્વામી થશે. આ પ્રમાણે સાર્થવાહે કુંવરને કહ્યું. તે નગરમાં રાજકુમારો જ વીણા શીખે છે, એટલું જ નહીં! પરંતુ સર્વ વ્યાપારી લોકો પણ વીણા બજાવે છે અને રાજકુંવરીને પરણવાની હોંશવાળા તેઓ વ્યાપાર પણ કરતા નથી.
આ સાંભળી શ્રીપાળ કુંવર પોતાના આવાસે આવ્યો અને વિચારવા લાગ્યો કે-તે નગર તો અહીંથી ઘણું દૂર છે તો ત્યાં કેવી રીતે જાઉં? જો દૈવે માણસને પાંખ આપી હોત તો માણસો પોપટની જેમ દેશ - વિદેશમાં ફરી ફરીનેે કૌતુકને જોઇ શકત. પરંતુ મારો આ મનોરથ તો સિદ્ધચક્ર મહારાજ પૂરશે અને તે જ મને આધારરૂપ હોવાથી મારાં સર્વ વિધ્નોને દૂર કરશે. એમ વિચારી મન, વચન અને કાયાને સ્થિર કરીને એક માત્ર શ્રી સિદ્ધચક્રજીના ધ્યાનમાં લીન રહ્યો અને તે સિદ્ધચક્રજીના જ્ઞાન દ્વારા તેનું ચિત્ત તદાકાર થયું.
તે ધ્યાનના બળથી સૌધર્મ દેવલોકનો રહેવાસી વિમલેશ્ર્વર દેવ મનોહર મણિઓનો હાર લઇને ત્યાં આવ્યો અને અત્યંત પ્રસન્ન થઇને તે હાર શ્રીપાળ કુંવરના કંઠને વિષે પહેરાવ્યો, અને હાથ જોડીને તે હારનો મહિમા વર્ણવવા લાગ્યો. "આ હારના પ્રભાવથી જેવું રૂપ કરવાની ઇચ્છા તેવું રૂપ તે વ ક્ષણે બનાવી શકાય છે અને ઇચ્છિત સ્થાને ત ે જ ક્ષણે આકાશ માર્ગે જઇ શકાય છે. વળી મનમાં જે કળા શીખવાની ભાવના હોય તે કળા વગર અભ્યાસે પણ આવડી જાય, અને ભયંકર ઝેરના વિકારો પણ આ હારના ન્હવણજળથી નાશ પામે છે.
હું શ્રી સિદ્ધચક્રજીનો સેવક દેવ છું. મેં સિદ્ધચક્રજીના કેટલાય સેવકોને દુ:ખમાંથી પાર પાડયા છે. માટે હું કહું છું કે તમો પણ એ જ શ્રી સિદ્ધચક્રજીની અત્યંત ભક્તિને ધારણ કરજો અને કંઇ પણ કામ પડે ત્યારે મને યાદ કરજો. આ પ્રમાણે કહીને દેવ પોતાના સ્થાને ગયો, અને કુંવર નિશ્ર્ચિત મનવાળો થઇને સુખશય્યામાં સૂતો અને જયારે પ્રભાત થયું અને જાગ્યો ત્યારે મનમાં ચિતવ્યું કે હું કુંડલપુર નગરમાં જઇને બેસું. આમ વિચારી ક્ષણવારમાં આંખ ખોલીને જોયું તો તે કુંડલપુર નગરની બહાર ભાગોળે પોતાને બેઠેલો જોયો અને ત્યાં પહેરેગીરને પણ વીણા વગાડતા અને રાજકુંવરીના રૂપકળા અને ગુણની પ્રશંસા કરતા જોયા. ત્યારપછી કુંવરે મનમાં વિચાર્યું કે "મને કૂબડાનું રૂપ થાઓ. એમ ચિંતવતાંની સાથે જ તેવું રૂપ થયું કે- મસ્તક અને લલાટ ઊંચા દેખાવવાળાં, મુખ તૂંબડા જેવું, પાણી ઝરતી ચૂંચરી આંખો, અને દાંત બધા જ મોકળા- છૂટા તેમજ વાંકા અને લાંબા હોઠ તે એક બીજા ભેગા ન થાય તેવા પહોળા થયા.