ચૂંટણી કામગીરીમાં ગુટલી મારનાર વીરપુરના ક્લાર્કની ધરપકડ કરવા આદેશ

  • ચૂંટણી કામગીરીમાં ગુટલી મારનાર વીરપુરના ક્લાર્કની ધરપકડ કરવા આદેશ
    ચૂંટણી કામગીરીમાં ગુટલી મારનાર વીરપુરના ક્લાર્કની ધરપકડ કરવા આદેશ

રાજકોટ તા.18
લોકસભા ચૂંટણીની કામગીરીમાં ગુટલી મારનાર વિરપુરની શાળાના કલાર્કની ધરપકડ કરવા રાજકોટ જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ આદેશ આપતા પોલીસ દ્વારા કલાર્કની ધરણકડની તજવીજ હાથ ધરવામાં આવી છે.
લોકસભા સામાન્ય ચૂંટણીમાં પોરબંદર સંસદીય મત વિસ્તારમાં સમાવિષ્ટ જેતપુર વિધાનસભા મતદાર વિભાગમાં આવેલ જલારામજી વિદ્યાલય, ગામ વિરપુર, તા.જેતપુર ખાતે કલાર્ક તરીકે ફરજ બજાવતા કર્મચારી વિનોદભાઇ મુળજીભાઇ વેકરીયાની કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી રાજકોટ દ્વારા સને-1951 ના લોકપ્રતિનિધિત્વ અધિનિયમ (1951ના 43માં)ની કલમ 26 ની પેટા કલમ(1) અને પેટા કલમ(3) અન્વયે મતદાન મથક ખાતે પોલીંગ ઓફીસર-1 તરીકે નિમણુંક કરવામાં આવેલ.
નિમણુંક બાદ કલાર્ક તા.16/4 ના રોજ જેતપુર ખાતે યોજાયેલ તાલીમમાં હાજર રહેવાનું હતું પરંતુ તેઓ કોઇપણ પ્રકારની પૂર્વ મંજુરી કે જાણ વગર આ તાલીમમાં હાજર રહેલ નથી. તેઓએ તેમને સોપાયેલ ચૂંટણીલક્ષી ફરજનો અનાદર કરેલ છે. જેથી કર્મચારીએ ચૂંટણી કામગીરીના કરેલ અનાદર બદલ લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-1951ની કલમ-134 મુજબ આજે જ તેમને તાત્કાલીક પકડી મામલતદાર જેતપુર સમક્ષ હાજર કરવા આદેશ આપવામાં આવ્યો છે.
આ અગાઉ પણ ચૂંટણી ફરજમાંથી મુક્તિ માંગનાર 700 જેટલા કર્મચારીઓની ચૂંટણી મુક્તિની માંગણી જિલ્લા કલેકટર ફગાવી ચૂક્યા છે અને ચૂંટણી ફરજ સોંપાય તેને ફરજિયાત ફરજ ઉપર હાજર થવા સૂચના આપી છે. પરિણામે લગ્નગાળાની અને વેકેશનની સિઝન સમયે જ કર્મચારીઓમાં કચવાટ જોવા મળી રહ્યો છે.