હત્યા અને લુટના કેસમાં દોષિત બે ભારતીયોને સાઉદી અરેબિયામાં અપાઈ ફાંસી

  • હત્યા અને લુટના કેસમાં દોષિત બે ભારતીયોને સાઉદી અરેબિયામાં અપાઈ ફાંસી

 
ભારતીય વિદેશ મંત્રાલયે બે ભારતીય નાગરિકોને સાઉદી અરેબિયામાં હત્યાના કેસ હેઠળ દોષિત સાબિત થતા ફાંસી આપી હોવાની પુષ્ટિ કરી છે. હોશિયારપુરના સતવિંદરે કુમાર અને લુધિયાનાના હરજિત સિંહને એક અન્ય ભારતીય નાગરિકની હત્યા હેઠળ દોષિત ગણાવી ફાંસી આપવામાં આવી છે. આ બન્નેને આ વર્ષે 28મી ફેબ્રુઆરીએ ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ મુજબ રિયાદમાં ભારતીય દૂતાવાસને આ વિશે કોઈ માહિતી આપવામાં આવી નહોતી. ઉપરાંત બન્ને મૃતકોના પરિવારને કદાચ તેમના મૃતદેહ પણ આપવામાં નહીં આવે કારણ કે આ સાઉદીના નિયમો વિરુદ્ધ છે. હરજિત અને સતવિંદરે, ઇમામુદ્દીન નામના એક ભારતીય વ્યક્તિની હત્યા કરી હતી. લૂટના પૈસાને લઈ વિવાદ થતા આ હત્યા કરવામાં આવી હતી.
હત્યાના થોડા દિવસો બાદ આ બન્ને આરોપીઓની મારપીટ કરવા અને દારૂ પીવાના આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. બન્નેને ભારત પરત મોકલવા માટે ઔપચારિકતાઓ પૂરી કરવા દરમિયાન આ મર્ડરમાં બન્નેના સામેલ હોવાના પુરાવા મળ્યા. તેના પછી બન્નેને રિયાદ ખાતે જેલમાં ટ્રાયલ માટે મોકલવામાં આવ્યા. ત્યાં બન્નેએ હત્યા કરવાની વાત કબૂલી હતી. આ બન્નેને ફાંસીની સજા આપવામાં આવી છે એવી ત્યારે ખબર પડી જ્યારે હરજિતની પત્ની સીમા રાનીએ એક અરજી કરી હતી. આ અરજી પર કાર્યવાહી કરતા વિદેશ મંત્રાલયને સંપૂર્ણ ઘટનાક્રમની માહિતી મળી. સીમા રાનીને મોકલેલ પત્ર મુજબ સતવિંદર અને હરજિતની 2015માં 9મી ડિસેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી. બન્ને પર આરિફ ઇમામુદ્દીનની હત્યાના આરોપ હતો.