અલ્હાબાદ યુનિવર્સિટીની હોસ્ટેલમાં દરોડા, બોમ્બ બનાવવાનો સામાન મળ્યો

  • અલ્હાબાદ યુનિવર્સિટીની હોસ્ટેલમાં દરોડા, બોમ્બ બનાવવાનો સામાન મળ્યો

અલ્હાબાદ: ઉત્તર પ્રદેશની અલ્હાબાદ યુનિવર્સિટીમાં દરોડા દરમિયાન પોલીસને બોમ્બ બનાવવાનો સામાન મળી આવ્યો છે. પોલીસે દરોડા દરમિયાન 58 રૂમ સીલ કર્યા છે અને ઘણી ગાડીઓ પણ જપ્ત કરી લીધી છે. પોલીસે આ દરમિયાન દરેક રૂમની તપાસ કરી હતી અને ગેરકાયદેસર રીતે કબજો જમાવી લીધેલા વિદ્યાર્થીઓને પણ હોસ્ટેલમાંથી બહાર કાઢ્યા હતા. પોલીસે હોસ્ટેલ ખાલી કરાવવા માટે સેનાના અમુક જવાનની મદદ લીધી હતી અને દરોડા દરમિયાન ભારે માત્રામાં પોલીસ ફોર્સ પણ હાજર રહી હતી. સમાજવાદી પાર્ટીના પ્રવક્તા રિચા સિંહે પ્રશાસનની કાર્યવાહી સામે સવાલ ઉભા કર્યા છે. તેમણે ટ્વીટ કરીને હોસ્ટલ પર કરવામાં આવેલી કાર્યવાહીનો વિરોધ કર્યો છે. તેમણે ટ્વીટ કર્યું છે કે, અલ્હાબાદ જિલ્લા પ્રશાસન અને વિશ્વવિદ્યાલય પ્રશાસન તેમની નિષ્ફળતા છુપાવવા અને ગુના પર લગામ લગાવવામાં અસમર્થ છે. તેઓ પોતાની નિષ્ફળતા વિદ્યાર્થીઓના માથા ઉપર ઢોળવા માટે હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને પરેશાન કરી રહ્યા છે.