પ્રો કબડ્ડી લીગમાં હરિયાણાને પછાડી ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટસ પ્રથમ ક્રમે

  • પ્રો કબડ્ડી લીગમાં હરિયાણાને પછાડી ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટસ પ્રથમ ક્રમે
    પ્રો કબડ્ડી લીગમાં હરિયાણાને પછાડી ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટસ પ્રથમ ક્રમે

અમદાવાદ, તા.23
પ્રો. કબડ્ડી લીગમાં ગુજરાત ફોર્ચ્યૂન જાયન્ટ્સે પોતાના હોમગ્રાઉન્ડના અંતિમ મુકાબલામાં હરિયાણા સ્ટીલર્સને 40-31થી પરાજય આપી ઝોન-1માં યુ મુંબાને પાછળ છોડતાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. ગુજરાતના 14 મેચમાં 10 જીત અને બે હાર તથા બે ટાઈ સાથે કુલ 58 પોઇન્ટ થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે, ગત 12 ઓક્ટોબરે પણ ગુજરાત અને હરિયાણા સ્ટીલર્સ ટકરાઈ હતી જેમાં ગુજરાતનો પરાજય થયો હતો ત્યારે ગુજરાતે આ વખતે જીત મેળવી હારનો બદલો પણ લીધો હતો. ગુજરાતે હોમ ગ્રાઉન્ડ પર છ મેચ રમી હતી જે પૈકી ચારમાં જીત મેળવી હતી જ્યારે એકમાં હાર મળી હતી અને એક મેચ ટાઇ થઈ હતી.
પોતાના હોમ ગ્રાઉન્ડ પર આ સિઝનની અંતિમ મેચ રમી રહેલી ગુજરાત ફોર્ચ્યૂન જાયન્ટસે આક્રમક પ્રારંભ કરતાં શરૂઆતમાં જ 5-0ની લીડ મેળવી હતી. ગુજરાતની ટીમે ત્યારબાદ પોતાનો દબદબો જાળવી રાખતાં શરૂઆતની આઠ મિનિટમાં 12-4ની સરસાઈ મેળવી હતી. હરિયાણાએ પ્રથમ હાફની અંતિમ મિનિટોમાં વાપસીનો પ્રયાસ કર્યો હતો પરંતુ ગુજરાતે 21-15ની લીડ જાળવી રાખી હતી. આ દરમિયાન ગુજરાતે એક વખત હરિયાણાની ટીમને ઓલઆઉટ કરી હતી.
બીજા હાફમાં પણ ગુજરાતની ટીમે લય જાળવી રાખતાં ફરી એક વખત હરિયાણાને ઓલઆઉટ કરતાં 29-19ની મજબૂત લીડ મેળવી લીધી હતી. ગુજરાતની ટીમે ત્યારબાદ હરિયાણાને મેચમાં વાપસીની તક આપ્યા વિના 40-31થી જીત મેળવી લીધી હતી. ગુજરાત તરફથી સચિને 10 પોઇન્ટ મેળવ્યા હતા જ્યારે પરવેશ ભેંસવાલે છ, મહેન્દ્ર રાજપૂત અને કે. પ્રપંજને 5-5 પોઇન્ટ મેળવ્યા હતા. હરિયાણા તરફથી મોનુ ગોયતે 10 પોઇન્ટ મેળવ્યા હતા.