પેડક રોડ પરથી દેશી પિસ્તોલ અને બે રિવોલ્વર સાથે બે શખસ ઝડપાયા

  • પેડક રોડ પરથી દેશી પિસ્તોલ અને બે રિવોલ્વર સાથે બે શખસ ઝડપાયા

સપ્લાયર તરીકે યુ.પી.ના રાકેશ ઠાકુર અને પંડિત નામના શખસનું નામ ખુલ્યું : બંને શખસોના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર
રાજકોટ : લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ચૂંટણી શાંતિપ્રિય વાતાવરણમાં યોજાય તે હેતુથી પોલીસ કમિશ્નર દ્વારા શહેરભરમાં સઘન પેટ્રોલીંગની સુચના અન્વયે બી ડીવીઝન પોલીસે બાતમીના આધારે પેડક રોડ પરથી એક શખસને દેશી પિસ્તોલ સાથે ઝડપી લીધો હતો. જેની પુછપરછમાં અન્ય બે હથિયારો અને અન્ય શખસનું નામ ખુલતા પોલીસે ત્રણેય હથિયારો કબ્જે કરી બંને શખસોની ધરપકડ કરી હતી તથા સપ્લાય તરીકે યુ.પી.ના બે શખસોના નામ ખુલતા પોલીસે તપાસ હાથ ધરી છે તથા પોલીસે ઝડપાયેલા બંને આરોપીના રીમાન્ડ મેળવી વધુ પુછપરછ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિ મોહન સૈનીની સુચનાથી બી ડીવીઝન પોલીસ મથકના પી.આઇ. વી.જે.ફર્નાન્ડીઝ, પીએસઆઇ એમ.એફ.ડામોર, એએસઆઇ એસ.ડી.પાદરીયા, હેડ કોન્સ્ટેબલ વિરમભાઇ ધગલ, મનોજ મકવાણા, મોહસીન ખાન, એભલભાઇ, મહેશ ચાવડા, કેતનભાઇ તથા હંસરાજભાઇ ઝાપડીયા સહિતનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો. દરમિયાન પેડક રોડ પર આર્યનગર કોમ્યુનિટી હોલ પાસેથી બાતમીના આધારે વસંત ઉર્ફે લાલો ડાયા દુધાત્રા નામના પટેલ શખસને ઝડપી પાડી તેની તલાસી લેતા તેના કબજામાંથી દેશી બનાવટની પિસ્તોલ મળી આવતા પોલીસે તેની ધરપકડ કરી હતી. પોલીસ પુછપરછમાં આરોપી વસંતના ઘરે વધુ બે હથિયારો હોવાનું ખુલતા તથા વધુ એક આરોપીનું નામ ખુલતા પોલીસે તેના ઘરેથી બે રિવોલ્વર કબજે કરી હતી તથા અન્ય આરોપી હિરેન રણછોડ દેસાઇ (ઉ.વ.30, રે.પેડક રોડ, સેટેલાઇટ પાર્ક)ની ધરપકડ કરી હતી. પ્રાથમિક પૂછપરછમાં આ હથિયારો યુ.પી.ના અને હાલ આર્યનગર કોમ્યુનિટી હોલ પાસે રહેતા રાકેશ ઠાકુર તથા ફિરોઝાબાદના પંડિત નામના શખ્સે સપ્લાય કર્યાનું ખુલતા પોલીસે તેને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે તથા ઝડપાયેલા બંને આરોપીઓને પાંચ દિવસના રીમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજુ કરતા અદાલતે બંને આરોપીના ત્રણ દિવસના રીમાન્ડ મંજુર કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.