સીસીટીવી વગરની સ્કૂલોનું લિસ્ટ હાઇકોર્ટમાં સોંપાશે

  • સીસીટીવી વગરની સ્કૂલોનું લિસ્ટ હાઇકોર્ટમાં સોંપાશે

વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે થયેલી પીઆઇએલ બાદ હાઇકોર્ટનો આદેશ રાજકોટ, તા.17
ગુજરાતમાં ઘણી સ્કૂલો અને કોલેજોમાં હજુ પણ સીસીટીવી કેમેરા ન હોવાથી વિદ્યાર્થીઓની સલામતીને લઈને હાઈકોર્ટમાં પીઆઈએલ થઈ છે.જેમાં હાઈકોર્ટે સરકારને શો કોઝ નોટિસ આપી છે અને જવાબ આપવા આદેશ કર્યો છે ત્યારે સરકાર દ્વારા હાલ રાજ્યની કેટલી સ્કૂલો અને કોલેજોમાં હજુ પણ સીસીટીવી કેમેરા નથી તેનો રીપોર્ટ તૈયાર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.
જે અંતર્ગત સરકારે તમામ ડીઈઓ અને ડીપીઓને 20મી એપ્રિલ સુધીમાં કઈ કઈ સ્કૂલોમાં સીસીટીવી કેમેરા નથી તેની માહિતી આપવા સૂચના આપી છે.
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ઘણા વર્ષોથી રાજ્યમાં ધો.10 અને 12ની બોર્ડ પરીક્ષા સીસીટીવી કેમેરા ધરાવતી સ્કૂલોમાં જ લેવાય છે અને જે ગ્રામ્યની સ્કૂલોમાં સીસીટીવી નથી તેમાં કેમેરા નાખી દેવા માટે પણ સરકારે સૂચનાઓ આપી છે.જેથી હાલ લગભગ 100 ટકા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં સીસીટીવી કેમેરા છે અને સરકારે પરીક્ષા સમયે 100 ટકા સીસીટીવી કેમેરા સાથે પરીક્ષા લેવાતી હોવાનો દાવો પણ કરે છે.પરંતુ રાજ્યની અનેક સરકારી તથા ખાનગી અને ગ્રાન્ટેડ પ્રાથમિક સ્કૂલો ઉપરાંત ખાનગી, સરકારી અને 
ગ્રાન્ટેડ કોલેજોમાં હજુ પણ સીસીટીવી કેમેરા નથી. 
સીસીટીવી કેમેરા ન હોવાથી વિદ્યાર્થીઓની સલામતી જોખમાતી હોવાની ફરિયાદ સાથે હાઈકોર્ટમાં 2017માં પીઆઈએલ પણ થઈ છે અને જેમા અગાઉની સુનાવણીમાં હાઈકોર્ટે સરકારને શો કોઝ નોટિસ પણ આપી છે અને જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે.
આગામી 30મી એપ્રિલે હવે આ કેસમાં વધુ સુનાવણી છે અને જેમાં સરકારે ખરેખર કેટલી સ્કૂલો અને કોલેજોમાં હજુ પણ સીસીટીવી નથી તેનો જવાબ હાઈકોર્ટ સમક્ષ રજૂ કરવાનો હોવાથી હાલ સરકાર દ્વારા રીપોર્ટ તૈયાર કરવામા આવી રહ્યો છે.જે અંતર્ગત પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા તમામ ડીઈઓ અને ડીપીઓ તથા શાસનાધિકારીઓને 20મી એપ્રિલ સુધીમાં નિયત નુમાનામાં સીસીટીવી ધરાવતી સ્કૂલો અને શાળાની કૂલ સંખ્યા સાથેની માહિતી ઓનલાઈન મોકલી દેવા આદેશ કરવામા આવ્યો છે.
સરકારી, ગ્રાન્ટેડ તથા ખાનગી સહિતની તમામ પ્રાથમિક,માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં સીસીટીવી છે કે નહી તેની માહિતી સરકારને આપવાની રહેશે.
ગ્રામ્ય વિસ્તારની ઘણી સ્કૂલો અને કોલેજોમાં હજુ પણ સંપૂર્ણપણે સીસીટીવી કેમેરા લાગ્યા નથી.
ઘણી કોલેજોમાં માત્ર આચાર્ય ઓફિસ તેમજ થોડા જ ભાગમા કેમેરા લગાવી દેવાયા છે પરતુ સંપૂર્ણ 
કેમ્પસ તથા રૃમોમાં કેમેરા નથી લગાવાયા. સંપૂર્ણ કેમ્પસમાં સીસીટીવી ન હોવાને લીધે વિદ્યાર્થીઓના વાહનો ચોરાવાથી માંડી છેડતી કે મારામારી સહિતની અનેક બાબતોમાં તપાસ પૂર્તતામાં મુશ્કેલી ઉભી થતી હોય છે.