સોહામણો લાગતો આ સંસાર વાસ્તવમાં બિહામણો છે : પૂજ્ય યશોવિજયસૂરીશ્ર્વરજી મહારાજા

  • સોહામણો લાગતો આ સંસાર વાસ્તવમાં બિહામણો છે : પૂજ્ય યશોવિજયસૂરીશ્ર્વરજી મહારાજા

આસ્તિકય: આસ્તિકય એટલે પ્રભુએ બતાવેલા શરીરમાં રહેવા છતાં પણ શરીરથી હું જુદો છો, અલગ છું, આત્મા હુ છું અને એને સાચવવામાં જ મારું કલ્યાણ છે. 
દર્શન પદના આસ્તિકેય ગુણ વિશે ગઈકાલે આપણે જાણ્યુ . છઠ્ઠા દિવસના બાકી રહેલા ગુણો અનુકંપા, નિર્વેદ, સંવેદ અને ઉપરામભાવ વિશે જાણીએ
અનુકંપા : આ શરીર માત્ર ખાવું-પીવું, ઇટ ડ્રીંક એન્ડ જલસા. એના માટે આ શરીર મળ્યું નથી. આ બધું ઘેટાં-બકરાંના ભવમાં કેટલી વાર કરી ચૂકયા છે. ભુંડના ભવમાં અનંતવાર ભોગ-વિલાસ કર્યો, છતાં સંતોષાયો નથી. પશુના ભવમાં ખા-ખા કર્યું છતાં તૃપ્તિ થઇ નહીં, આના માટે શરીર મળેલું છે. જે પર્પઝ માટે શરીર મળેલું છે, તેને સિધ્ધ કરવા માટે આપણે કેટલા પ્રયત્ન કરી રહ્યા છે, એવી વેદના અને વ્યથા અંતરમાં ઊભી થાય, એનું નામ અનુકંપા. નિશ્ર્ચયથી અનુકંપા આપણે આપણા આત્માની કરવાની. કતલખાનામાંથી પશુ-પક્ષીને છોડાવો એ દ્રવ્ય અનુકંપા છે, અને ભાવ અનુકંપા એ છે મારો આત્મા પણ ભગવાનની આજ્ઞાનું પાલન નહીં કરતા આ દુર્દશામાં ફસાયેલો હતો. રાગ-દ્વેષમાં મારે તણાવું નથી માટે આ જન્મ-મરણનાં ચક્કરમાંથી છૂટવું છે એ ભાવ અનુકંપા પોતાની છે, અને રીફલેકશન તરીકે કતલખાનામાંથી જીવને છોડાવવો એ દ્રવ્ય અનુકંપા છે. આ સમ્યક્ દર્શનનું લક્ષણ છે. આસ્તિકય પછી અનુકંપા આવે. જ્યાં સુધી હું આત્મા છું, રાગ-દ્વેષ વગેરેનો ભાવ મેં વધાર્યો એના કારણે મારે જન્મ-મરણની સજા ભોગવવી પડે છે, એ ભાવ અનુકંપા અને એના રીફલેકશનમાં બીજા દીન-દુ:ખિયાની દયા એ દ્રવ્ય અનુકંપા છે. દ્રવ્ય અનુકંપા એ પુણ્ય બંધાવે, ભાવ અનુકંપા એ કર્મની નિર્ઝરા કરાવે, આત્માની શુધ્ધિ કરાવે. આપણને ભાવ દયા કેટલી સ્પર્શેલી છે ? પોતાની ભાવ દયા ના હોય એને બીજાની ભાવ દયા કેટલી ? મારો પરિવાર કે મારું બાળક જન્મ-મરણના ચક્કરમાં ના ફસાય એ જવાબદારી મારી છે, એવો ભીતરમાં એકરાર કેટલો ? ઇચ્છીએ મંગળ પારકું હોય મંગળ આપણું.
ચાર દિવસની ચાંદની પછી મારું થશે શું? ઘોર અંધકારમાં એ પોતાની ભાવ અનુકંપા શરૂ થઇ કહેવાય.
નિર્વેદ : નિર્વેદ એટલે કે સંસાર પ્રત્યેનો કંટાળો. પરમાત્માની ભક્તિ કરતાં કરતાં મારી આંખમાંથી આંસુ નીકળે. પ્રભુ મારી આ ભૂલને માફ કરજે, હવે આ સંસાર રહેવા લાયક મને લાગતો નથી. આ સોહામણો લાગતો સંસાર ફસામણો સંસાર છે, બીહામણો સંસાર છે. પ્રભુ આપણી કૃપાથી મને સમજાયું, પ્રભુ હવે આ સંસાર મને ના ખપે. આ ઇન્કાર ઉભો થાય એ નિર્વેદ. ટી.વી. જોવાનો, હોટલમાં જવાનો કંટાળો, વોટ્સએપમાં જોવાનો કંટાળો આવે? નારકીનો જીવ જેટલી હદે નરકથી કંટાળેલો હોય, કેદી જેલથી કંટાળેલો હોય, તેટલું જો કોઇ જીવ સંસારથી કંટાળેલો હોય તો તેને સમ્યક દૃષ્ટિ જીવ કહેવાય. સંયમ ધર્મ એ તારક છે. સંસાર જેલ લાગે કે મહેલ ? નિર્વેદ નામનું લક્ષણ આપણામાં પ્રગટ થયું કેટલું એ જોવાનું રહ્યું? આ સંસાર અસાર છે. આમાં આત્માની બેઇજ્જતી સિવાય કોઇ પરિણામ આવે તેમ નથી. આપણો સંસાર સળગતો હોય તો પ્રતિબોધ પામવાની શક્યતા કેટલી? અંદરથી સ્વીકાર હોવો જોઇએ, સત્ત્વ હોવું જોઇએ. સત્ત્વની કચાશ એ સ્વીકારની કચાશ છે. કેળાના થડની જેમ આખો સંસાર અસાર છે. વાસુદેવનો સંસાર પણ એવો હતો કે સોનાની દ્વારિકા પણ સળગી જાય છે, તો શું આપણો સંસાર હંમેશા સોહામણો રહેવાનો છે? પુલવામા એટેક પછી વૈરાગ્ય કેટલો જાગ્યો? ધરતીકંપ પછી વૈરાગ્ય કેટલો જાગ્યો? અંદરથી સ્વીકાર થતો નથી માટે સત્ત્વ સ્પૃરાયમાન થતું નથી. અંદરથી સ્વીકાર થાય કે અત્યાર ભુજનો વારો પછી મારો વારો છે, દુર્ગતિ મળશે, સંસ્કારી માતા-પિતા મળશે નહીં ને હું ફેંકાઇ જઇશ. ગટર જેમ સુધરે નહીં તેમ ગટર જેવો સંસાર છોડી સંયમ માટે નીકળી પડું. પુણ્ય પરવારી જશે પછી ટાઇમબોમ્બ ફુટી જશે. 60,000 દીકરા સગર ચક્રવર્તીના કર્મસત્તાએ એકસાથે આંચકી લીધા હતા. તીર્થંકરને પણ એનો પુણ્યોદય ગમે ત્યારે તેને દગો આપી શકે છે ને ઉપસર્ગો સહન કરવા પડે છે તો તમારો પુણ્યોદય તમને છેલ્લા શ્ર્વાસ સુધી સાચવશે એની ગેરેંટી કઇ રીતે? આંખ મીંચાયા પછી પુણ્યોદય સાથ સહકાર કેટલો આપશે? આ નિર્વેદ અંદરથી પ્રગટાવવાનો છે. વૈરાગ્યને ઝળહળતો કરવાનો છે.... હોટલ, ટીવી, મોજમજામાં અમૂલ્ય માનવ ભવ વેડફવો નથી. આવો સમ્યક્ દર્શનનો પ્રકાશ અંદરમાં પાથરવાનું કામ કરવાનું છે.
સંવેદ : પુણ્યોદય જયારે ક્લાઇમેકસ પર હોય છે ત્યારે પુણ્યોદયને ફગાવી અને પુણ્યોદયમાં કંટાળો લાવીને સાધનાના માર્ગે જવાનું મન થાય તો એ સંવેદ નામનું લક્ષણ છે. પાપના ઉદયમાં સંસાર માટે પણ વૈરાગ્ય જાગે એ અઘરું છે. જયારે દ્વારિકા સળગતી હોય છે ત્યારે તે જાહેરાત થાય છે કે નેમિનાથ પ્રભુ પાસે દીક્ષાર્થીને હેમખેમ પહોંચાડી દેવામાં આવશે ત્યારે મોતની જાહેરાત સાંભળીને પણ કોઇને વૈરાગ્ય થતો નથી, ફક્ત એક જ જણને થાય છે. પુણ્યોદયની અંદર પણ વૈરાગ્ય જાગે એ સંવેદ, પુણ્યનો ભરોસો કરવા જેવો નથી. પુણ્યના ઉદયમાં મોક્ષ મેળવવાની ઝંખના, તેના માટેનો પુરૂષાર્થ કરવો. ઈન્દ્રનું સુખ પણ દુ:ખ લાગે, ખાલી મોક્ષમાં જ સુખ લાગે. આ સાપની લીસી ચામડી જેવો સંસાર છે. વીફરે તો ડંખ મારશે તેવું સંવેદ-સમ્યક દર્શન આપણા ભીતરમાં પ્રાપ્ત થાય.
સમ એટલે ઉપશમ ભાવ :
પોતાનો દુશ્મન પણ સપનામાં પણ દુ:ખી ના થાય એ ઉપશમ ભાવ છે. એ સમ્યક દર્શનનું પાંચમું લક્ષણ છે. પોતાનો ગુનેગાર, દુશ્મન, વિશ્ર્વાસઘાત કરનારાનું પણ મંગળ થાય, દુ:ખી કરવાનો નહીં, દુ:ખી થાવાનો પણ વિચાર દુશ્મન માટે નહીં કરવાનો. આપણે કઇ ભૂમિકાએ ગોઠવાયેલા છે? દોસ્તાર પાસેથી પૈસા લઇએ અને સમયસર પૈસા પાછા ન મળવાથી તે આત્મહત્યા કરે, સગો દીકરો બાપને જેલના સળિયા પાછળ પૂરાવે.. એવો વિચિત્ર આ સંસાર છે.
જલ્લાદની જેમ પુત્ર જયારે શ્રેણિક મહારાજાને ફટકારે છે ત્યારે પણ તેઓ વિચારે છે પુત્ર જલ્લાદ નથી એને મહાવીરનું શાસન જલ્દી પ્રાપ્ત થાઓ.
એ મારો દુશ્મન નથી, દુશ્મન મારા કર્મ છે. મેં ભગવાનની વાણીનો સ્વીકાર ન કર્યો એનું આ પરિણામ છે. આ સંસાર અસાર છે પણ મેં ભગવાનની વાતનો સ્વીકાર કે અમલ ના કર્યો એનું આ ફળ છે. વાંક મારો પોતાનો છે. આને કહેવાય ઉપષમ ભાવ.
આ પાંચે પાંચ લક્ષણ આપણામાં પ્રગટ થાય તો મોહનીય કર્મ મંદ પડે અને રવાના થાય અને સમ્યક દર્શન મળે.
મોક્ષનું રીઝર્વેશન આ સમ્યક દર્શન પદની આરાધનાથી થાય તેવી આરાધના આ પદની કરીએ.
(જિનઆજ્ઞા વિરુધ્ધ કાંઇપણ કહેવાયું હોય કે લખાયું હોય તો મિચ્છામિ દુક્કડમ્)
- પરમ પૂજ્ય આચાર્ય ભગવંત યશોવિજયસૂરીશ્ર્વરજી મહારાજા
પ્રવચન માળા-6(બ)
આજે સાતમા દિવસે જ્ઞાનપદની અને પ્રભુ મહાવીર જન્મ કલ્યાણકની આરાધના કરીએ